ગયા અઠવાડિયે મુંબઈના માત્ર પાંચ જ વૉર્ડમાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો : બીએમસી કહે છે કે કોવિડના કેસમાં વધારો ક્યારે થશે એ કહી શકાય નહીં
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગઈ કાલે વિદેશથી આવેલા પ્રવાસીઓ. તસવીર: સમીર માર્કન્ડે
મુંબઈ : બે સપ્તાહ પહેલાં જાણે એવું લાગી રહ્યું હતું કે મુંબઈમાંથી કોરોનાનો અંત નજીક છે, કારણ કે નવ વૉર્ડમાં એક પણ કેસ નોંધાયો નહોતો. જોકે સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસમાં થયેલા વધારા બાદ આ નવ વૉર્ડમાંથી સાત વૉર્ડમાં છેલ્લા એક સપ્તાહમાં ૧૮ કેસ નોંધાયા છે. છેલ્લા સપ્તાહમાં પાંચ વૉર્ડ જ એવા છે જેમાં કોઈ નવો કેસ નોંધાયો નથી. મુંબઈ સુધરાઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શહેરમાં કેસ ક્યારે વધશે એની આગાહી કરવાનો કોઈ રસ્તો નથી. જોકે કોરોનાની કોઈ નવી લહેર આવે તો એનો સામનો કરવા માટે શહેર તૈયાર છે.
ચોથીથી ૧૦ ડિસેમ્બર વચ્ચે કુર્લા, કાંદિવલી, ભાયખલા, કોલાબા, ચેમ્બુર , બોરીવલી, મરીન લાઇન્સ, ચેમ્બુર-વેસ્ટ અને ગોરેગામ જેવા વૉર્ડમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ છેલ્લા સપ્તાહમાં કોલાબામાં છ, કાંદિવલીમાં ચાર, કુર્લામાં ત્રણ, બોરીવલીમાં બે તેમ જ ગોરેગામ, ભાયખલા અને મરીન લાઇન્સ વિસ્તારમાં એક-એક કેસ નોંધાયો હતો. એક અધિકારીએ કહ્યું હતું કે ‘આગામી દિવસોમાં વાઇરસ કઈ રીતે વર્તે છે એ કહી શકાય નહીં. કોવિડના કેસોમાં ઉછાળો આવી શકે છે. એવા પણ કેટલાક વિસ્તારો છે જ્યાં નવા કેસ નોંધાયા છે, પરંતુ એ સંખ્યા ચિંતાજનક નથી.’
ADVERTISEMENT
હાલ માટુંગા, સૅન્ડહર્સ્ટ રોડ, દહિસર, ચેમ્બુર-ઈસ્ટ અને ચેમ્બુર-વેસ્ટમાં એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં હાલ ૪૮ ઍક્ટિવ કોવિડ કેસ છે.