નવાબ મલિકની જામીનઅરજી બાબતે જજે કહ્યું કે જો તમારો જવાબ સંતોષકારક હશે તો જ એની હમણાં સુનાવણી થશે
નવાબ મલિક
દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરીતો સાથે સંબંધ ધરાવવાના આરોપસર પકડાયેલા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા નવાબ મલિક હાલ જેલકસ્ટડી હેઠળ છે અને ખાનગી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ તેમની ધરપકડ કરી હતી. તેમના વકીલો દ્વારા તેમણે બૉમ્બે હાઈ કોર્ટમાં તેઓ બીમાર હોવાથી જામીન મેળવવા અરજી કરી છે. જોકે તેમની આ અરજી બાબતે બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એમ. એસ. કર્ણિકે બહુ જ સ્પષ્ટતા સાથે તેમના વકીલોને કહ્યું હતું કે ‘હું એ જાણવા માગું છું કે પીએમએલએ મુજબ ‘બીમાર વ્યક્તિ’ એટલે કોણ એ તમે મને જણાવો. તમે જે દલીલો કરો છો ‘એ બીમાર વ્યક્તિ, એ બીમાર વ્યક્તિ એટલે કોણ’ એ જણાવજો. જો તમારો જવાબ મને સંતોષકારક લાગશે તો જ હું આ અરજદાર (નવાબ મલિક) બીમાર વ્યક્તિ છે એમ માનીને એની સુનાવણી કરીશ. અન્યથા અન્ય અરજીઓની જેમ આ અરજીની પણ પાછળથી સુનાવણી કરાશે અને એ પણ એના મેરિટના આધારે.’