પ્રોજેક્ટ-ખર્ચને પહોંચી વળવા એફડી સામે ૧૦૦૦ કરોડની ઓવરડ્રાફ્ટ ફૅસિલિટીનો ઉપયોગ થશે
ફાઇલ તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં એમએમઆરડીએ દ્વારા અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટસ ચાલી રહ્યા છે. એમએમઆરડીએ જેવી સરકાર હસ્તકની માતબર સંસ્થાને પણ હવે પૈસાની જરૂર પડી હોવાથી એણે એની ફિક્સ્ડ ડિપોઝિટ સામે ઓવરડ્રાફ્ટની ફૅસિલિટી લેવી પડી છે.
એમએમઆરડીએ દ્વારા હાલ શિવડી ન્હાવા-શેવા ટ્રાન્સ હાર્બર લિન્ક રોડ, મેટ્રો, ઈસ્ટર્ન ફ્રીવેથી કોસ્ટલ રોડને કનેક્ટ કરતા અન્ડરગ્રાઉન્ડ રોડ, ઉપરાંત થાણે-બોરીવલીને જોડતા નૅશનલ પાર્કની નીચેથી ટનલ દ્વારા બની રહેલા રોડનું અને અન્ય મહત્ત્વના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે ત્યારે પૈસા ઊભા કરવા એણે પણ અલગ-અલગ રીત અપનાવવી પડી રહી છે. એમએમઆરડીએએ તેની ૧૭૯૦ કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ સામે ૧૦૦૦ કરોડ રૂપિયાની ઑવરડ્રાફ્ટ ફૅસિલિટી લેવાનું નક્કી કર્યું છે. એ સિવાય સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી પણ ૨૦૦૦ કરોડ રૂપિયાની કૉર્પોરેટ લોન લેવામાં આવશે.
ADVERTISEMENT
એમએમઆરડીએ દ્વારા શિવડી ન્હાવા-શેવા ટ્રાન્સ હાર્બર લિન્ક માટે જપાન ઇન્ટરનૅશનલ કૉર્પોરેશન એજન્સી પાસેથી ૧૫,૨૮૨ કરોડ, મેટ્રો પ્રોજેક્ટ માટે એશિયન ડેલવપમેન્ટ બૅન્ક અને એનબીડી બૅન્ક પાસેથી ૮૧૪૦ કરોડ, મહારાષ્ટ્ર રાજ્ય પ્રશાસન પાસેથી ૧૨,૪૮૦ કરોડ અને મેસર્સ આર.ઈ.સી લિમિટેડ પાસેથી ૩૦,૫૯૩ કરોડ રૂપિયાની લોન લીધી છે. એ સિવાય થાણે-બોરીવલી અન્ડરગ્રાઉન્ડ રોડ અને ઈસ્ટર્ન ફ્રીવેને કોસ્ટલ રોડ સાથે જોડતા અન્ડરગ્રાઉન્ડ રોડ માટે મેસર્સ પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન લિમિટેડ પાસેથી ૪૩,૦૦૦ કરોડની લોન લેવાનો પ્રસ્તાવ છે.
આમ અનેક પ્રોજેક્ટ્સ માટે એમએમઆરડીએ દ્વારા અલગ-અલગ સોર્સથી નાણાં ઊભાં કરાઈ રહ્યાં છે અને પ્રોજેક્ટ્સ સમયસર પૂરા કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.