આ બોર્ડ પડી ગયું હતું કે કોઈએ જાણીજોઈને એને હાઇવે પર મૂક્યું હતું એની પોલીસ કરી રહી છે તપાસ
એક્સપ્રેસ હાઇવે
મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ હાઇવે પર રવિવારે રાતે ૧૦ વાગ્યે માલેગાવ અને વનોજ ટોલ પ્લાઝાની વચ્ચે લોખંડનું એક બોર્ડ પડ્યું હતું જેમાં ખીલા હોવાથી ૫૦ જેટલી કાર અને અન્ય વાહનોનાં એના પરથી પસાર થતી વખતે ટાયર પંક્ચર થયાં હતાં. આ ઘટનાને કારણે હોબાળો મચી ગયો હતો અને હાઇ વે પર ટ્રાફિક જૅમ સર્જાયો હતો એટલું જ નહીં, જે લોકોની કારનાં ટાયર પંક્ચર થઈ ગયાં હતાં તેમને ઘણો વખત સુધી કોઈ મદદ ન મળતાં તેમણે ક઼ડકડતી ઠંડીમાં આખી રાત હાઇવે પર વિતાવવી પડી હતી. એ બાબતની તપાસ ચલાવાઈ રહી છે કે એ બોર્ડ અકસ્માતથી પડ્યું હતું કે પછી જાણી જોઈને ત્યાં રાખવામાં આવ્યું હતું.
સ્થાનિક લોકોએ જ્યારે આ બાબતે તપાસ કરી ત્યારે ખબર પડી કે એ ખીલાવાળું બોર્ડ ત્યાં પડ્યું હતું. કેટલાકને શંકા છે કે એ બોર્ડ ત્યાં જાણી જોઈને મૂકવામાં આવ્યું હતું. રાતનો સમય હોવાથી અને એકસાથે આટલાં બધાં વાહનોના પંક્ચર થતાં બધાને સમયસર મદદ મળી નહોતી, જેના કારણે ટ્રાફિક જૅમ પણ થયો હતો. એ ક્લિયર થતાં લાંબો સમય નીકળી ગયો હતો. સ્થાનિક પોલીસે હવે એ બોર્ડ પડ્યું હતું કે મૂકવામાં આવ્યું હતું એની તપાસ ચાલુ કરી છે.