IRCTCનું સર્વર ગઈ કાલે સવારે ટેક્નિકલ ફૉલ્ટ આવવાથી ખોરવાઈ ગયું હતું
પ્રતીકાત્મક તસવીર
લાંબા અંતરની ટ્રેનોમાં ઍડ્વાન્સ ટિકિટબુકિંગની સુવિધા પૂરી પાડતા ઇન્ડિયન રેલવેની ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)નું સર્વર ગઈ કાલે સવારે ટેક્નિકલ ફૉલ્ટ આવવાથી ખોરવાઈ ગયું હતું એટલે લાખો લોકોએ હાડમારી ભોગવવી પડી હતી. દોઢ કલાક બાદ એ પૂર્વવત્ થયા પછી પ્રવાસીઓ ટિકિટબુકિંગ કરી શક્યા હતા. IRCTC પર રોજ સવારે ૧૦ વાગ્યે લાંબા અંતરના AC કોચનું બુકિંગ ખૂલે છે. એના એક કલાક બાદ ૧૧ વાગ્યે જનરલ કોચનું બુકિંગ ખૂલે છે. લોકો લાંબી મુસાફરી કરવામાં સરળતા રહે અને શાંતિથી કરી શકાય એ માટે IRCTCની સાઇટ પરથી ઍડ્વાન્સમાં ટિકિટબુકિંગ કરાવતા હોય છે. જોકે સર્વર જ ડાઉન થયું હોવાથી લોકો હેરાનપરેશાન થઈ ગયા હતા.
ઑનલાઇન સર્વિસમાં વિક્ષેપ પડે તો એને ડિટેક્ટ કરનાર ડાઉન ડિટેક્ટરમાં આ સમય દરમ્યાન ફરિયાદોનો ઢગલો થઈ ગયો હતો. ૨૫૦૦ જેટલા લોકોએ એમાં IRCTCનું સર્વર ચાલતું ન હોવાની ફરિયાદ કરી હતી. મોટા ભાગની ફરિયાદોમાં IRCTCની વેબસાઇટ ચાલતી ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી, જ્યારે ૨૮ ટકા લોકોએ તેમણે મોબાઇલ પર ડાઉનલોડ કરેલી ઍપ ચાલતી ન હોવાની ફરિયાદ કરી હતી.