મુંબઈમાં પહેલવહેલીવાર આવું પદ ક્રીએટ કરવામાં આવ્યું
દેવેન ભારતી
રાજ્યના ગૃહખાતાએ એક મહત્ત્વનો નિર્ણય લઈને ૧૯૯૪ની બૅચના આઇપીએસ અધિકારી દેવેન ભારતીને સ્પેશ્યલ કમિશનર, મુંબઈ પોલીસનું નવું જ પદ ઊભું કરીને એનો પદભાર સોંપ્યો છે. સુધરાઈની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
આ પદભાર હેઠળ તેમણે કેન્દ્ર અને રાજ્યના પ્રશાસકીય ન્યાયાધિકરણ / ન્યાયાલયના આદેશ, ચૂંટણીની આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા સંદર્ભે ધ્યાન આપીને યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે. બધા જ જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ તેમને રિપોર્ટ કરશે અને તેઓ સીપીને રિપોર્ટ કરશે. દેવેન ભારતીએ આ પહેલાં ૨૦૧૫થી લઈને ૨૦૧૯ના સૌથી લાંબા કાર્યકાળમાં મુંબઈના જૉઇન્ટ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) તરીકે ફરજ બજાવી હતી. એ ઉપરાંત જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ઈઓડબ્લ્યુ) અને ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચનો પદભાર સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યા છે. તેઓ એ પહેલાં મહારાષ્ટ્ર એટીએસના વડા પણ રહી ચૂક્યા છે.
ADVERTISEMENT
મહાવિકાસ આઘાડીની સરકારના કાર્યકાળમાં દેવેન ભારતીને મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યૉરિટી કૉર્પોરેશનના જૉઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટરનો પદભાર સોંપવામાં આવ્યો હતો. ૧૩ ડિસેમ્બરે એ પદભાર જૉઇન્ટ કમિશનર (ટ્રાફિક) રાજવર્ધનને સોંપવામાં આવ્યો હતો.
દેવેન ભારતીએ તેમની ૨૯ વર્ષની સર્વિસમાં મુંબઈના અનેક હાઈ-પ્રોફાઇલ અને મહત્ત્વના કેસના ઇન્વેસ્ટિગેશન સાથે સંકળાયેલા હતા. એમાં ૨૬/૧૧ના હુમલાનો કેસ અને ‘મિડ-ડે’ના પત્રકાર જે. ડેની હત્યાના કેસનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની કમર તોડવામાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.