મોટી એલઈડી સ્ક્રીન પર બિલ્ડિંગના ૧૨૫થી ૧૩૦ જેટલા સભ્યોએ સાથે મળીને મૅચ જોઈ હતી
યલો થીમ સાથે સેલિબ્રેશન
મહેન્દ્ર સિંહ ધોની અને ચેન્નઈ સુપર કિંગ્સના જબરા ફૅન્સ એવા કાંદિવલીના દેવનગર સ્પોર્ટ્સ ગ્રુપે આઇપીએલ ફાઇનલની જોરદાર ઉજવણી કરી હતી. મોટી એલઈડી સ્ક્રીન પર બિલ્ડિંગના ૧૨૫થી ૧૩૦ જેટલા સભ્યોએ સાથે મળીને મૅચ જોઈ હતી. એટલું જ નહીં, આખું કમ્પાઉન્ડ સીએસકેની થીમ પર ધોનીનાં કટઆઉટ, પોસ્ટર્સ, યલો રિબન અને યલો ફુગ્ગાથી સજાવાયું હતું. એ વિશે માહિતી આપતાં મેહુલ શાહે કહ્યું હતું કે ‘અમારું આખું બિલ્ડિંગ ધોનીનું ફૅન છે. વળી ૧૫ દિવસ પહેલાં જ એવી વાતો ફેલાઈ હતી કે કદાચ ધોનીની આ છેલ્લી આઇપીએલ હશે. એટલે સીએસકેને ફાઇનલમાં આવવાને બે મૅચ બાકી હતી ત્યારે જ અમે નક્કી કરી લીધું હતું કે સીએસકેને ફાઇનલમાં આવવાના જબરદસ્ત ચાન્સ છે અને આપણે એની ભવ્ય ઉજવણી કરીએ. એથી અમારા સ્પોર્ટ્સ ગ્રુપ પર એ મેસેજ મૂક્યો અને બધાએ વધાવી લીધો. અમે આખું આયોજન ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીને સોંપ્યું હતું; પણ ધોનીનો ફોટો, પોસ્ટર્સ, યલો થીમ એ બધું અમે સજેસ્ટ કર્યું અને પછી તો ધમાલ. પહેલા દિવસે તો ભોજન સમારંભ પણ રાખ્યો હતો. જોકે વરસાદ પડતાં ફાઇનલ અટકી ગઈ. પછી બીજા દિવસે અમે એલઈડી પર મૅચ જોઈ હતી. રાતે ૧.૪૫ વાગ્યે રિઝલ્ટ આવ્યું અને બધા ખુશ થઈ ગયા. જોકે રાત બહુ થઈ ગઈ હતી એટલે માત્ર ૧૦થી ૧૫ સેકન્ડ જ અવાજ મોટો કર્યો અને નાચ્યા. બીજાનો પણ વિચાર કરવો પડે. જોકે ઇટ વૉઝ ફન. ભલે ફાઇનલમાં ધોનીભાઈ ‘ઝીરો’ પર આઉટ થયા, એમ છતાં તે ‘હીરો’ જ છે.’