મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેના વિરોધમાં બાળાસાહેબ થોરાતે હાઈ કમાન્ડમાં ફરિયાદ કરી
પ્રતીકાત્મક તસવીર
સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા કૉન્ગ્રેસમાં નવેસરથી પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધીએ દેશભરમાં ભારત જોડો યાત્રા કરી હતી, જે થોડા સમય પહેલાં પૂરી થઈ છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીએ પદયાત્રા કરીને પક્ષને સામાન્ય લોકો સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો, પણ મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસમાં નેતાઓ વચ્ચે ચાલી રહેલા મતભેદ ચરમસીમાએ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ સામે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાતે હાઈ કમાન્ડને પત્ર લખ્યો છે. તાજેતરમાં પૂરી થયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં સત્યજિત તાંબે પ્રકરણમાં પોતાને બદનામ કરવામાં આવી રહ્યા હોવાનું પત્રમાં લખ્યું છે. આવી સ્થિતિમાં નાના પટોલે સાથે કેવી રીતે કામ કરવું એવો સવાલ તેમણે કર્યો છે.
બાળાસાહેબ થોરાતે હાઈ કમાન્ડને કરેલી ફરિયાદમાં કહેવાય છે કે નાના પટોલે રાજ્યના કૉન્ગ્રેસના બીજા નેતાઓને મહત્ત્વ નથી આપતા. વિધાન પરિષદની ચૂંટણીમાં આરએસએસના નજીકના છોટુ ભોયરને નાના પટોલેએ ઉમેદવારી આપી હતી એ પક્ષનો નિર્ણય નહોતો.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અશોક ચવાણ અને બાળાસાહેબ થોરાતનાં બે મોટાં જૂથ છે. નાના પટોલે પક્ષમાં પોતાનું અસ્તિત્વ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એથી નાના પટોલે પક્ષમાં મનમાની કરી રહ્યા હોવાની ફરિયાદ ઊઠી રહી હોવાનું કહેવાય છે. આથી જ ‘પ્રદેશાધ્યક્ષ નાના પટોલે વિરુદ્ધ કૉન્ગ્રેસના અન્ય નેતાઓ’ એવો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે નાના પટોલે બેઠક બોલાવે છે ત્યારે પક્ષના મોટા નેતાઓ સામેલ નથી થતા એથી કૉન્ગ્રેસના બીજેપીના આહ્વાન કરતા પક્ષની અંદર ચાલી રહેલી જૂથબાજીનો મોટો પડકાર છે.
આ પણ વાંચો : મહા. સરકારે જાહેરાત પાછળ કર્યો કરોડો રૂપિયાનો ધુમાડો: ૭ મહિનામાં ૪૨ કરોડનો ખર્ચ
પેટાચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથ મુશ્કેલીમાં
વિધાનસભાની પેટાચૂંટણીમાં મહા વિકાસ આઘાડીમાં સામેલ કૉન્ગ્રેસને પુણેની કસબા પેઠ બેઠક ફાળવવામાં આવી છે. અહીં કૉન્ગ્રેસ વતી રવીન્દ્ર ઘંગેકરને ટિકિટ ફાળવવામાં આવી છે ત્યારે ઉદ્ધવ ઠાકરે માટે મુશ્કેલી ઊભી થાય એવા સમાચાર છે. તાજેતરમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે યુતિ કરનાર સંભાજી બ્રિગેડે કસબા પેઠ વિધાનસભાની પેટાચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે અને અહીં અવિનાશ મોહિતેને ઉમેદવારી જાહેર કરી છે. સંભાજી બ્રિગેડની ઉમેદવારીથી મહા વિકાસ આઘાડીને ફટકો બેસી શકે છે, પણ ઉદ્ધવ ઠાકરે જૂથની સ્થિતિ કફોડી બની છે. બે દિવસ પહેલાં મહા વિકાસ આઘાડીએ બેઠક યોજીને કોઈ પણ ભોગે કસબા પેઠ અને પિંપરી ચિંચવડ પેટાચૂંટણીમાં વિજય મેળવવાનો નિર્ધાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં સંભાજી બ્રિગેડ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે યુતિ થવાની ખુશીમાં મોટી ઉજવણી થઈ હતી.