મુંબઈ ઍરપોર્ટ પર એક કલાક માટે કટોકટી જાહેર કર્યા બાદ આ ધમકી ફેક નીકળી હતી
ફાઇલ તસવીર
ગોવાથી મુંબઈ આવતી ઇન્ડિગોની ફ્લાઇટને સોમવારે સાંજે બૉમ્બની ધમકી મળી હતી એને લીધે મુંબઈ ઍરપોર્ટ પર સોમવારે રાતે ૧૦.૩૦ વાગ્યાથી એક કલાક માટે સંપૂર્ણ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. જોકે તપાસ બાદ આ ધમકી બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.
મુંબઈ ઍરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘વિમાનમાં બૉમ્બ હોવાની ધમકી વિશેના સંદેશ સાથે એક નોટ મળી હતી. એને કારણે મુંબઈ ઍરપોર્ટ પર ફ્લાઇટને સુરક્ષિત જગ્યાએ લઈ જઈને પહેલાં તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા એ પછી સાવચેતીનાં પગલાં લીધાં હતાં અને ઍરક્રાફ્ટને સંબંધિત સત્તાવાળાઓ પાસેથી ક્લિયરન્સ મળ્યા બાદ ટર્મિનલ પર પાછું મોકલી દેવામાં આવ્યું હતું.’

