મહારાષ્ટ્ર-ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં આ વર્ષે સમર આકરો રહેશે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ એપ્રિલથી જૂન દરમ્યાન આકરી ગરમીની આગાહી કરી છે. IMDએ સોમવારે જણાવ્યું હતું કે ભારતમાં એપ્રિલથી જૂન દરમ્યાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાનો અંદાજ છે. આ સાથે મધ્ય અને પૂર્વ ભારત અને ઉત્તર-પશ્ચિમ મેદાની વિસ્તારોમાં વધુ હીટવેવ રહેશે.
પશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો સિવાય દેશના મોટા ભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેશે. IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ એક ઑનલાઇન પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન પણ સામાન્યથી ઉપર રહેશે. એપ્રિલથી જૂન દરમ્યાન ઉત્તર અને પૂર્વ ભારત, મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં સામાન્ય કરતાં હીટવેવના બેથી ચાર વધુ દિવસો રહેવાની શક્યતા છે. ભારતમાં સામાન્ય રીતે એપ્રિલથી જૂન દરમ્યાન હીટવેવના ચારથી સાત દિવસો નોંધાય છે. ઉનાળા દરમ્યાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગરમીના દિવસો બમણા થઈ શકે છે.
ADVERTISEMENT
આ વિસ્તારોમાં સામાન્ય રીતે ઋતુ દરમ્યાન પાંચથી છ દિવસ લૂ લાગશે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગણ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુના ઉત્તરીય ભાગોમાં સામાન્ય કરતાં વધુ લૂ લાગવાની શક્યતા છે. એપ્રિલમાં ભારતના મોટા ભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની શક્યતા છે. જોકે દક્ષિણ અને ઉત્તર-પશ્ચિમ પ્રદેશોના કેટલાક વિસ્તારોમાં સામાન્ય તાપમાન રહી શકે છે.

