મહારાષ્ટ્રમાં ગિયાન બારે સિન્ડ્રૉમ (GBS)ના કેસિસમાં વધારો થઈ રહ્યો છે અને હવે કોલ્હાપુરમાંથી એક અને સંભાજીનગરની ઘાટી હૉસ્પિટલમાં ત્રણ દરદી (બે મહિલા અને એક ૧૦ વર્ષની બાળકી) મળી આવ્યાં છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં ગિયાન બારે સિન્ડ્રૉમ (GBS)ના કેસિસમાં વધારો થઈ રહ્યો છે અને હવે કોલ્હાપુરમાંથી એક અને સંભાજીનગરની ઘાટી હૉસ્પિટલમાં ત્રણ દરદી (બે મહિલા અને એક ૧૦ વર્ષની બાળકી) મળી આવ્યાં છે ત્યારે એક મહત્ત્વની બાતમી બહાર આવી છે. આ બીમારીનું કારણ શોધવા સ્ટેટ લૅબોરેટરીમાં કેટલાંક સૅમ્પલ મોકલવામાં આવ્યાં હતાં. એમાંથી પુણે અને પિંપરી-ચિંચવડનાં આઠ જળસ્રોતોનાં સૅમ્પલ પ્રદૂષિત હોવાનું જણાઈ આવ્યું છે. એથી હવે એ બીમારીનો ઉકેલ શોધવામાં સહાય થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડૉક્ટરનું કહેવું છે કે GBS કોરોના જેવો સંસર્ગજન્ય રોગ નથી. જોકે એમ છતાં એ બાબતે સાવચેતી રાખવી જરૂરી છે.
દિલ્હીની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે આ બાબતે કહ્યું હતું કે ‘અમે જે લોકોને GBS થયો છે એના બ્લડ અને સ્ટૂલનાં સૅમ્પલની ચકાસણી કરી રહ્યા છીએ. અમે એ જાણવા માગીએ છીએ કે આ બીમારી ફેલાય છે કઈ રીતે. અમે એનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. GBSનું ઇન્ફેક્શન લાગે એનાં છથી આઠ અઠવાડિયાં પછી એની જાણ થાય છે. અમે એ સંદર્ભે કૉમન લિન્ક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એ સિવાય છ કે આઠ અઠવાડિયાં દરમ્યાન દરદીને શું સહન કરવું પડ્યું એની માહિતી ભેગી કરી રહ્યા છીએ. ચકાસણી દરમ્યાન માત્ર ૪૦ ટકા કેસમાં જ GBS મળી આવ્યો છે. GBS થાય ત્યારે બીજાં છ પ્રકારનાં ઇન્ફેક્શન થતાં હોય છે, જે આ ચકાસણીમાં જોવા મળ્યાં નથી.’
ADVERTISEMENT
કેન્દ્રની ટીમ
કેન્દ્રમાંથી સાત એક્સપર્ટ્સની એક ટીમ મહારાષ્ટ્ર મોકલવામાં આવી છે, જેમાં નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ–દિલ્હી, બૅન્ગલોરની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરો સાયન્સિસ, રીજનલ ઑફિસ ઑફ હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેર અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑૅફ વાઇરૉલોજી-પુણેના એક્સપર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટની સાથે મળીને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી છે અને પ્રશાસનને મદદ કરી રહી છે.
પુણેના સિંહગડમાં GBSને કારણે થયું પહેલું મોત
પુણેના સિંહગડ વિસ્તારમાં રહેતી ૫૬ વર્ષની મહિલાનું GBSને કારણે ગઈ કાલે મોત થયું હતું. એ મહિલા કૅન્સરગ્રસ્ત હતી. તેને ૧૫ જાન્યુઆરીએ સસૂન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પહેલાં GBSને કારણે સોલાપુરની એક વ્યક્તિનું મોત થયું હતું.
GBSનાં લક્ષણો
GBSમાં દરદીના હાથપગના સાંધા જકડાઈ જાય છે, પગના સ્નાયુઓમાં અશક્તિ આવી જાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે.

