વિરારમાં રહેતી એક મહિલા બર્થ-ડે પાર્ટીમાંથી સ્કૂટર પર ઘરે પાછી ફરી રહી હતી ત્યારે રિલાઇન્સ સ્માર્ટ મૉલ નજીક એકાએક સ્પોર્ટ્સ બાઇક પર બે યુવાન આવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ વિરારમાં રહેતી એક મહિલા બર્થ-ડે પાર્ટીમાંથી સ્કૂટર પર ઘરે પાછી ફરી રહી હતી ત્યારે રિલાઇન્સ સ્માર્ટ મૉલ નજીક એકાએક સ્પોર્ટ્સ બાઇક પર બે યુવાન આવ્યા હતા. એમાંના એક જણે ચાલતા સ્કૂટર પર મહિલાએ પહેરેલું મંગળસૂત્ર ખેંચ્યું હતું અને ત્યાંથી ભાગી ગયા હતા. મહિલાએ સ્કૂટરની મદદથી તેમને પકડવાની કોશિશ કરી હતી, પણ તેઓ મળ્યા નહોતા. અંતે આ ઘટનાની વિરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
વિરારની ભાજીગલીમાં યશવંત હાઇટ્સમાં રહેતી ૨૮ વર્ષની ગૃહિણી જ્યોતિ જૈને કરેલી ફરિયાદ અનુસાર ૧૫ નવેમ્બરે તેણે સોનાનું મંગળસૂત્ર ખરીદ્યું હતું, જેનો રોજ ઉપયોગ કરતી હતી. ૨૬ જાન્યુઆરીએ તે મિત્રની દીકરીના જન્મદિવસની ઉજવણી કરીને પોતાના સ્કૂટર પર ઘરે જઈ રહી હતી. તે રિલાયન્સ માર્ટ, ઓલ્ડ વિવા કૉલેજ પાસે પહોંચી
ADVERTISEMENT
ત્યારે હેલ્મેટ પહેરેલા બે માણસો બ્લૅક જૅકેટ પહેરી સ્પોર્ટ્સ બાઇક પર તેના સ્કૂટર નજીક આવ્યા હતા અને તે કંઈ સમજી શકે એ પહેલાં તેણે પહેરેલું સોનાનું મંગળસૂત્ર ખેંચીને ભાગી ગયા હતા. એ પછી તે થોડે દૂર સુધી સ્કૂટર પર તેમની પાછળ ગઈ હતી. જોકે તેઓ ઝડપથી જકાતનાકા બાજુ નાસી ગયા હતા. અંતે તેણે આ ઘટનાની ફરિયાદ વિરાર પોલીસ સ્ટેશનમાં કરી હતી.
વિરાર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ ઘટનાની ફરિયાદ નોંધીને તેમણે સીસીટીવી ફુટેજની મદદથી આરોપીઓની તપાસ શરૂ કરી છે.