પી-નૉર્થ વૉર્ડનાં ૧૬ યોગ કેન્દ્રોમાં રોજ ૪૪૩ લોકો ભાગ લઈ રહ્યા છે, પણ દક્ષિણ મુંબઈના ‘ડી’ વૉર્ડમાં કાગડા ઊડી રહ્યા છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
મુંબઈ : મુંબઈગરાઓ સ્વસ્થ રહે એ માટે શહેર સુધરાઈએ શિવ યોગ કેન્દ્રોની સ્થાપના કરી હતી. જોકે કેટલાક વિસ્તારો, ખાસ કરીને ‘ડી’ વૉર્ડ (તાડદેવ, મલબાર હિલ અને ગ્રાન્ટ રોડ)ના લોકોને આ કવાયત ખાસ પસંદ પડી હોય એવું લાગતું નથી, કારણ કે ત્યાં હાલ એક પણ સેશન ચાલી રહ્યું નથી. બીજી તરફ પી-નૉર્થ અને કે-ઈસ્ટ વૉર્ડને સતત ઉત્સાહપ્રેરક પ્રતિભાવ મળી રહ્યો છે.
૨૧ જૂન ૨૦૨૨ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શિવ યોગ કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં હતાં. સુધરાઈના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે ૨૪ વૉર્ડમાં ૧૩૩ શિવ યોગ કેન્દ્રો આવેલાં છે અને રોજ ૧૬૭ બૅચ હાથ ધરાય છે.
‘ડી’ વૉર્ડમાં અત્યાર સુધીમાં ફક્ત ૩૦ વ્યક્તિએ સેશનમાં ભાગ લીધો છે. વૉર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘અહીં સ્થાનિક લોકોનો ઘણો નબળો પ્રતિસાદ રહ્યો છે. શરૂઆતમાં અહીં પાંચ કેન્દ્ર શરૂ થયાં હતાં, પણ હાલમાં એક પણ કાર્યરત નથી. સેશન ચાલુ કરવા ઓછામાં ઓછી ૨૫ વ્યક્તિ હોવી જરૂરી છે. ઠંડા આવકાર માટે ચોમાસું અને તહેવાર સહિતનાં ઘણાં કારણો જવાબદાર છે. ૩૦ દિવસનો કોર્સ પૂરો કરી ચૂકેલા લોકો ફરી આવ્યા હતા એના કારણે કેન્દ્ર બંધ કરી દેવું પડ્યું. અમે આગામી દિવસોમાં નવા લોકો સાથે સેશન્સ શરૂ કરવાની કોશિશ કરીશું.’ મુંબઈ સુધરાઈના આરોગ્ય વિભાગનાં એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉક્ટર મંગલા ગોમારેએ જણાવ્યું હતું કે ‘અત્યાર સુધીમાં આશરે ૧૨,૦૦૦ લોકોએ શિવ યોગ કેન્દ્રનો લાભ લીધો છે. લોકોનો ઉત્સાહ જોતાં આગામી દિવસોમાં બીજાં કેન્દ્રો શરૂ કરવામાં આવી શકે છે.