પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી
બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત
ભાઈંદર-વેસ્ટમાં સિક્સ્ટી ફુટ રોડ પરથી કચરો લઈ જતાં મહાનગરપાલિકાના વાહનની નીચે આવી જવાથી એક બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના રવિવારે બની હતી. મૃતકની ઓળખ ૪૬ વર્ષના કૌશિક હવાલી તરીકે થઈ છે. બજારમાં જઈ રહેલા કૌશિકની બાઇકનું વ્હીલ અચાનક ભાઈંદરની નવરંગ હોટેલની સામે ઘસાયું હતું. એને કારણે તેની બાઇક ઘસડાઈને રસ્તાની વચ્ચોવચ આવી હતી. દરમિયાન સામેથી આવી રહેલા મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના વાહનચાલકે વાહનને રોડની સાઇડમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એના પાછળના વ્હીલ નીચે કૌશિક આવી જતાં તે કચડાઈ ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી. અહીં સિમેન્ટ રોડનું કામ સ્મૂધ ન હોવાથી પથ્થરની બારીક ખડી તૈયાર થઈ છે. એને કારણે વાહનો આ પથ્થરો પરથી પડતાં હોવાની સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
ગોરેગામ-ઈસ્ટમાં આવેલા ડીબી વુડ સ્કાયસ્ક્રૅપર્સમાં રહેતા રાજુ રંજને તેની લાઇસન્સવાળી રિવૉલ્વરમાંથી રવિવારે રાતે હવામાં ઘણાબધા રાઉન્ડ ફાયર કર્યા હતા, જેને કારણે દહેશત ફેલાઈ ગઈ હતી. દિંડોશી પોલીસે આ સંદર્ભે તેને તાબામાં લઈને વધુ તપાસ ચલાવી હતી. પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું હતું કે તેણે દારૂની અસર હેઠળ આ પગલું લીધું હતું. દિંડોશી પોલીસે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘રાજુ રંજને પોતાને એક રૂમમાં અંદરથી લૉક કરી દીધો હતો. તેણે દારૂ પીધો હતો. તેણે એની અસર હેઠળ પોતાની લાઇસન્સવાળી રિવૉલ્વરમાંથી અનેક રાઉન્ડ હવામાં ફાયર કર્યા હતા. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.’
સગીર બાળકી પર બળાત્કાર કરનાર યુવકને ૨૦ વર્ષની સજા
વસઈની સેશન્સ કોર્ટે ૨૦૧૮માં એક સગીર બાળકીનું યૌન શોષણ કરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. નાલાસોપારાના જનાર્દન મકાપલ્લી દ્વારા ૧૩ મે ૨૦૧૮ના રોજ ૬ વર્ષની બાળકીનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તેની સામે નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સો ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં નાલાસોપારા પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જનાર્દન નાઈકે કોર્ટમાં આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. વસઈની સેશન્સ કોર્ટના જજ વી. એસ. ખોંગલે ગુનામાં દોષી ઠરાવીને જનાર્દન મકાપલ્લીને ૨૦ વર્ષની જેલની સજા અને પાંચ હજાર રૂપિયા દંડની શિક્ષા કરી હતી.