નાલાસોપારામાં પતિએ પત્નીને વીસ હજાર રૂપિયા ન આપતાં તેણે લાફો માર્યો એને લીધે ગુસ્સે ભરાયેલા ગુજરાતી યુવકે આવેશમાં આવીને પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાખી. જોકે અફસોસ થતાં મિત્રને ઘટનાની જાણ કરીને પોલીસમાં કર્યું સરેન્ડર
Crime News
આરોપી ભાવિક ઠક્કર.
મુંબઈ : નાલાસોપારામાં રહેતા અને શૅરબ્રોકરનો વ્યવસાય કરતા ગુજરાતી યુવકનો પત્ની સાથે ૨૦ હજાર રૂપિયા માટે ઝઘડો થયો હતો અને બન્ને મારામારી કરવા પર આવી ગયાં હતાં. દરમ્યાન પત્નીએ પતિને લાફો મારતાં પતિએ રોષે ભરાઈને પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. પછી ડેડ-બૉડીને બેડ પર રાખીને ગુજરાતી યુવાન તેના મિત્રને મળવા પહોંચ્યો હતો. ત્યાર બાદ ભૂલનો અફસોસ થવાથી તેણે સામેથી નાલાસોપારા પોલીસ સ્ટેશને જઈ પોતે હત્યા કરી હોવાનું કહીને સરેન્ડર કર્યું હતું.
નાલાસોપારામાં યશવંત ગૌરવ રોડ પર વિનય કૉમ્પ્લેક્સના આનંદ વ્યુ બિલ્ડિંગમાં રહેતા ૨૫ વર્ષના ભાવિક ઠક્કરની મુલાકાત ફેસબુક પર મુન્ની નામની મહિલા સાથે થઈ હતી અને બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. આઠ મહિના પહેલાં જ તેઓ લગ્ન કરીને સાથે રહેતાં હતાં. ૪ સપ્ટેમ્બરે મોડી રાતે મુન્નીએ ભાવિક પાસેથી ૨૦ હજાર રૂપિયાની માગણી કરતાં ભાવિકે કહ્યું હતું કે હાલ મારી પાસે પૈસા નથી, બે-ત્રણ દિવસમાં હું તને પૈસા આપીશ. આ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને એકાએક તેમની વચ્ચે મારામારી શરૂ થતાં મુન્નીએ ભાવિકને લાફો માર્યો હતો. એટલે રોષે ભરાયેલા ભાવિકે તેને બેડ પર સુવડાવીને તેનું ગળું દબાવી દીધું હતું અને પૂરી રાત ઘરમાં જ રહ્યો હતો. બીજા દિવસે સવારે તેને તેના મિત્રનો ફોન આવતાં મિત્રની ઑફિસમાં જઈને આ ઘટના વિશેની તમામ માહિતી તેને આપી હતી. ત્યાર બાદ પોતાની ભૂલનો અફસોસ થવાથી તેણે નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં જઈને ઘટનાની માહિતી પોલીસને આપી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને લાશનો કબજો લીધો હતો અને બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી હતી. આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.
નાલાસોપારા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિલાસ સુપેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાના દિવસે આરોપીની પત્નીએ કોઈ કારણસર ૨૦ હજાર રૂપિયાની ડિમાન્ડ આરોપી પાસે કરી હતી. આરોપી શૅરબ્રોકિંગનો વ્યવસાય કરતો હોવાથી તેણે પત્નીને કહ્યું કે બે-ત્રણ દિવસમાં મારી પાસે પૈસા આવી જશે ત્યારે હું તને પૈસા આપીશ. આ બાબતે બન્ને વચ્ચે વિવાદ થયો હતો અને પત્નીએ પતિના મોઢા પર લાફો મારતાં પતિએ ગુસ્સામાં પત્નીની હત્યા કરી દીધી હતી. આરોપીએ સામેથી અમારી પાસે આવીને પોતે કરેલો ક્રાઇમ કબૂલ કર્યો છે. હાલ તેની ધરપકડ કરી અમે તપાસ કરી રહ્યા છીએ.’