૫૯ હજાર લોકો આ મૅરથૉનમાં દોડ્યા હતા, જેમાંથી ૧૧ દોડવીરોએ મેઇન દોડમાં ભાગ લીધો હતો.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની ગયા વર્ષની મૅરથૉનવિજેતા હેલી લેમી બેરહાનુ અને અબરાશ મિનસેવો ગઈ કાલે મુંબઈમાં આયોજિત કરવામાં આવેલી તાતા મુંબઈ મૅરથૉનમાં ચૅમ્પિયન બન્યાં હતાં. ધારણા મુજબ આ વખતની મૅરથૉનમાં પણ ઇથિયોપિયાના રનરોનો દબદબો રહ્યો હતો. ભારતના દોડવીરોમાં શ્રીનુ બુગાથા, ગોપી થોનાકલ અને શેરસિંહ તંવરે સારું પ્રદર્શન કર્યું હતું. ૫૯ હજાર લોકો આ મૅરથૉનમાં દોડ્યા હતા, જેમાંથી ૧૧ દોડવીરોએ મેઇન દોડમાં ભાગ લીધો હતો.
મેલ એલિટ ક્લાસમાં લેમી ગોલ્ડ લેબલ રોડ રેસમાં ૨.૦૭.૫૦ના સમય સાથે સતત બીજા વર્ષે પણ ચૅમ્પિયન રહ્યો હતો. હેમૌનેટ અલેવ ૨.૦૯.૦૩ના સમય સાથે બીજો તો ૨.૦૯.૫૮ સમય સાથે મિતકુ ટાકા ત્રીજા નંબરે રહ્યો હતો. શ્રેષ્ઠ દસ ઍથ્લીટમાં શ્રીનુ આઠમા અને ગોપી દસમા નંબરે રહ્યા હતા.
ADVERTISEMENT
ફીમેલ એલિટ ક્લાસમાં મિનસેવો ૨.૨૬.૦૬ના સમય સાથે પહેલી રહી હતી, જ્યારે ૨.૨૬.૫૧ના સમય સાથે હમવતન મુલુહાબત તસેગા બીજી અને ૨.૨૭.૩૪ સમય સાથે મેધિન બેજેને ત્રીજી રહી હતી. આ કૅટેગરીમાં ભારતીય મહિલા ૨.૪૭.૧૧ના સમય સાથે નિરમાબેન ઠાકોર ભરતજી પ્રથમ રહી હતી. બીજા નંબરે રેશમા કેવટે ૩.૦૩.૩૪ના સમય સાથે અને શ્યામલી સિંહ ૦૩.૦૪.૩૫ના સમય સાથે ત્રીજી આવી હતી. મહિલાઓની હાફ મૅરથૉનમાં અમૃતા પટેલ પ્રથમ, પૂનમ સોનોન બીજી અને કવિતા યાદવ ત્રીજા નંબરે રહી હતી.
ઉલ્લેખનીય છે કે તાતા મુંબઈ મૅરથૉનમાં ૮૯ વર્ષના વિખ્યાત ગીતકાર અને લેખક ગુલઝાર હાજર રહ્યા હતા અને તેમણે મૅરથૉનમાં દોડવા માટે પહોંચેલા યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું. મૅરથૉનમાં ૫૯,૦૦૦થી વધુ લોકો સામેલ થયા હતા. મેઇન મૅરથૉનમાં ૧૦,૯૧૧ ઍથ્લીટો દોડ્યા હતા. ભારતના મેઇન ઍથ્લીટને પાંચ લાખ રૂપિયા તો ઇન્ટરનૅશનલ રનરને ૫૦ હજાર અમેરિકન ડૉલર એટલે કે ૪૧ લાખ રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું.
આ મૅરથૉનમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. મૅરથૉનમાં દોડવા પહોંચેલા ૭૪ વર્ષના રાજેન્દ્ર ચાંદમલ બોરાને સવારના ૮ વાગ્યે હાર્ટ-અટૅક આવ્યો હતો. તેઓ મરીન ડ્રાઇવમાં હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક ઍમ્બ્યુલન્સમાં નજીકમાં આવેલી બૉમ્બે હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આવી જ રીતે ફુલ મૅરથૉન દોડી રહેલા સુવરાદીપ બૅનરજી દોડતી વખતે હાજી અલી પાસે ઢળી પડ્યા હતા. તેમને નાયર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને પણ મૃત જાહેર કર્યા હતા.
મેડલ ખોવાઈ ગયા
મુંબઈ મૅરથૉનમાં ગઈ કાલે એક ગરબડ જોવા મળી હતી. સ્પર્ધામાં દોડનારા ઍથ્લીટને મેડલ નહોતા મળ્યા જેને લીધે કેટલોક સમય ગરમાગરમીનું વાતાવરણ નિર્માણ થયું હતું. મૅરથૉન પૂરી થયા બાદ ઍથ્લીટોને મેડલ આપવાનો સમય આવ્યો ત્યારે અનેક સ્પર્ધકોને મેડલ નહોતા મળ્યા. આથી મેડલ વિતરણ કરવામાં આવ્યા હતા ત્યાં થોડા સમય માટે મુશ્કેલી સર્જાઈ હતી. મેડલ ગાયબ થઈ ગયા હોવાનો જવાબ પોલીસે આપ્યો હતો એટલે સ્પર્ધકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે આયોજકો સામે નારાજગી વ્યક્ત કરી હતી.