મીરા રોડમાં શાંતિનગરના સેક્ટર સાતમાં સ્થાનિક રહેવાસીઓએ ૩૦ વર્ષ જૂનાં વૃક્ષો બચાવવા માટેની ઝુંબેશ ચલાવ્યા બાદ પણ સુધરાઈએ કાપી નાખ્યાં અને ત્રણ જ વર્ષ પહેલાં બનાવાયેલી ગટરને પહોળી કરવાનું કામ હાથ ધરતાં રહેવાસીઓમાં નારાજગી
૨૫ લીલાંછમ વૃક્ષ કાપીને કોના ફાયદા માટે ગટર પહોળી કરવાનું કામ શરૂ કરાયું?
મુંબઈ : એક તરફ મીરા-ભાઈંદર મહાનગરપાલિકા પર્યાવરણના રક્ષણ માટે અર્થ વીકમાં વૃક્ષો ન કાપવા માટેના શપથ લે છે અને બીજી તરફ વિકાસના નામે મીરા રોડના શાંતિનગરના સેક્ટર સાતમાં આવેલાં ૩૦ વર્ષ જૂનાં ૨૫થી વધુ લીલાંછમ વૃક્ષોને કાપી નાખ્યાં છે. સ્થાનિક રહેવાસીઓએ આ વૃક્ષો બચાવવા માટે ઝુંબેશ ચલાવી હતી, પણ સુધરાઈના કમિશનરથી લઈને કોઈ અધિકારીએ તેમની વાત કાને ધરવાને બદલે એકઝાટકે વૃક્ષોને કાપી નાખ્યાં છે. એટલું જ નહીં, બીજા જ દિવસે અહીં ગટરને પહોળી કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે ત્રણ વર્ષ પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી ગટરને ફરીથી તોડીને બનાવવા પાછળ સુધરાઈના અધિકારી, નેતાઓ અને કૉન્ટ્રૅક્ટરની મિલીભગતથી અર્થકરણ કરવામાં આવ્યું છે.
મીરા રોડના શાંતિનગરના સેક્ટર સાતમાં આવેલા રસ્તા પરની ગટરને પહોળી કરવા માટે સ્થાનિક સુધરાઈએ ગયા ડિસેમ્બર મહિનામાં વૃક્ષો કાપવાની તૈયારી કરી હતી ત્યારે સ્થાનિક રહેવાસીઓની સાથે પર્યાવરણપ્રેમીઓએ વિકાસના નામે ૨૫થી ૩૦ વર્ષ જૂનાં વૃક્ષો ન કાપવાની ઝુંબેશ ચલાવી હતી. અસંખ્ય લોકોએ વૃક્ષો બચાવવા માટે સહી કરી હતી. લોકોની સહી સાથેનું નિવેદન મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના સંબંધિત વિભાગને સોંપવામાં આવ્યું હતું. લોકોનો વિરોધ જોઈને સુધરાઈ થોડો સમય શાંત રહી હતી, પરંતુ આ મંગળવારે સવારે અચાનક સુધરાઈની ટીમે લીલાંછમ વૃક્ષો કાપી નાખ્યાં હતાં.
સામાન્ય રીતે વૃક્ષોને કાપી નાખ્યા બાદ અનેક દિવસો સુધી ડાળ અને પાંદડાં રસ્તામાં પડેલાં જોવા મળે છે, પરંતુ અહીં તો ગણતરીના દિવસમાં આખો રસ્તો સાફ કરી નખાયો હતો અને ગટરને પહોળી અને ઊંડી કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સરકારી કામ આટલી ઝડપથી થતું નથી; પણ કોઈ લાભ મેળવવા માટે સુધરાઈના અધિકારી, નેતાઓ અને કૉન્ટ્રૅક્ટરે આટલી ઝડપ બતાવી હોવાનો આરોપ થઈ રહ્યો છે.
શાંતિનગરના સેક્ટર સાતના રસ્તાની ગટરનું કામ કરવા બાબતે અહીંના દુકાનદારોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણ વર્ષ પહેલાં જ અહીંની ગટર બનાવાઈ હતી. આ ગટર બનાવાયા પહેલાં અને બાદમાં પણ ચોમાસામાં અહીં પાણી ભરાવાની કોઈ સમસ્યા નથી. આમ છતાં અહીંથી પોણો કિલોમીટર દૂર આવેલા શીતલનગરમાં ચોમાસામાં પાણી ભરાય છે એટલે અહીંની ગટરને ઊંડી અને પહોળી બનાવવાની જરૂર છે એમ કહીને લાખો રૂપિયાને ખર્ચે બાંધવામાં આવેલી ગટરને તોડવાનું કામ શરૂ કરાયું છે. આ કામની પાછળ હવે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. લીલાંછમ વૃક્ષોને કાપીને આ લોકો પોતાનાં ખિસ્સાં ભરવા માટે જ આવું કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.’
શાંતિનગરમાં જ ઑફિસ ધરાવતા મિલન ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા ડિસેમ્બરમાં સુધરાઈએ અહીંનાં વૃક્ષો કાપવાની શરૂઆત કરી હતી ત્યારે અમે સહીઝુંબેશ કરીને વૃક્ષો ન કાપવાની અપીલ સુધરાઈમાં આપી હતી. થોડો સમય બધા શાંત રહ્યા હતા અને હવે અચાનક ગટર પહોળી કરવાના નામે ૨૫થી વધુ લીલાંછમ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યાં છે. કમિશનર દિલીપ ઢોલે, સાર્વજનિક બાંધકામ વિભાગ અને ગાર્ડન વિભાગના અધિકારીઓ વૃક્ષો કોની પરવાનગીથી કાપ્યાં છે એનો કોઈ જવાબ નથી આપતા. બીજું, સાતથી આઠ વૃક્ષ ગટરથી ચારેક ફુટ દૂર હોવા છતાં એને કાપી નખાયાં છે. અહીં ગટરનું કામ થવાનું છે એ જાણતા હોવા છતાં અહીં થોડા સમય પહેલાં જ ઇલેક્ટ્રિકના થાંભલા ગટરને અડીને મૂકવામાં આવ્યા હતા. હવે ગટરનું કામ શરૂ થયું છે ત્યારે આ થાંભલા ઉખેડી નખાયા છે. પબ્લિકના રૂપિયાનો ખૂબ જ ખરાબ રીતે દુરુપયોગ થઈ રહ્યો છે. સામાન્ય જનતાનું કોઈ સાંભળતું નથી.’
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના સાર્વજનિક બાંધકામ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નીતિન મૂકણેને ‘મિડ-ડે’એ કોની પરવાનગીથી વૃક્ષો કાપવામાં આવ્યાં અને ત્રણ વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે ગટર બનાવાઈ હતી તો અત્યારે શા માટે કરોડો રૂપિયાનો ખર્ચ ગટર પહોળી કરવા માટે કરાઈ રહ્યો છે એ વિશે મેસેજ મોકલીને પૂછ્યું ત્યારે તેમણે મેસેજ જોયો હતો, પણ કોઈ જવાબ નહોતો આપ્યો.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મીરા રોડના જ શાંતિ વિહાર વિસ્તારમાં ગટર પહોળી કરવાના નામે ત્રીસ જેટલાં વૃક્ષ કાપવાની શરૂઆત કરાઈ હતી. જોકે એ સમયે સ્થાનિક રહેવાસીઓએ જોરદાર વિરોધ કરતાં સુધરાઈએ કામ પડતું મૂક્યું હતું, પરંતુ આ વખતે સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણવાદીઓના ભારે વિરોધને અવગણવામાં આવ્યો છે અને સુધરાઈના અધિકારીઓ મનમાની કરી રહ્યા હોવાનો આરોપ છે. મજાની વાત એ છે કે સ્થાનિક નગરસેવકો પણ આ મામલે ચૂપ છે. આથી લોકોને શંકા છે કે તેઓ પણ વિકાસના નામે કરવામાં આવી રહેલા કામમાં કોઈક રીતે સંકળાયેલા છે.