સરકારે આ સંદર્ભે જાન્યુઆરી મહિનામાં જાહેરાત કરી ત્યારે ડ્રાઇવરોએ એનો સખત વિરોધ કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
રોડ અકસ્માતમાં ઘવાયેલા લોકોને તાત્કાલિક સારવાર મળી શકે અને તેમનો જીવ બચી જાય એ માટે મોટર વેહિકલ ઍક્ટ અને આઇપીસીની કલમો હેઠળ સરકારે જો ડ્રાઇવર અકસ્માત કરીને ઘાયલોને મદદ ન કરે અને ભાગી જાય, હિટ ઍન્ડ રનનો કેસ બને તો ડ્રાઇવર સામે પગલાં લેવા કાયદો કડક કર્યો હતો અને એમાં સુધારા કર્યા હતા. સરકારે અકસ્માત કરીને નાસી ગયેલા ડ્રાઇવરને ૧૦ વર્ષની કેદ અને સાત લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કાયદામાં કરાયેલો આ સુધારો હવે પાછો ખેંચાયો છે. પહેલી જુલાઈથી અમલમાં આવતી કાયદાની અન્ય બાબતો લાગુ પડશે, પણ આ કલમ ૧૦૬(૨)ને હવે એમાંથી બાકાત કરાઈ છે.
વાહનના ડ્રાઇવરે ઍક્સિડન્ટ કર્યો હોય તો લોકો મારશે એવા ડરને કારણે તે ઘટનાસ્થળેથી ભાગી જતો હોય છે અને પાછળથી પોલીસમાં હાજર થતો જ હોય છે એવી દલીલ ટ્રાન્સપોર્ટરો દ્વારા કરાઈ હતી એ હવે સરકારે માન્ય રાખી છે.
ADVERTISEMENT
સરકારે આ સંદર્ભે જાન્યુઆરી મહિનામાં જાહેરાત કરી ત્યારે ડ્રાઇવરોએ એનો સખત વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, આખી ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી એને કારણે હચમચી ગઈ હતી. ડ્રાઇવરોનું કહેવું હતું કે કોઈ અકસ્માત જાણી જોઈને થતો નથી હોતો. એ પછી પણ એવું બને છે કે અકસ્માત થયા બાદ આજુબાજુના લોકો દોડી આવે છે અને ટ્રક-ડ્રાઇવરને જ એ માટે દોષી માનીને તેની મારઝૂડ કરે છે. એથી લોકોના મારથી બચવા ઘાયલ વ્યક્તિને મદદ કરવાની ઇચ્છા હોવા છતાં ડ્રાઇવર ભાગી જાય છે. જોકે પાછળથી તો તે પોલીસ સ્ટેશનમાં હાજર થાય જ છે અને જે કંઈ કાર્યવાહી થાય એનો સ્વીકાર પણ કરે છે. એટલે આ જે ૧૦ વર્ષની કેદ અને સાત લાખ રૂપિયાના દંડની કાયદામાં નવી જોગવાઈ કરી છે એ અન્યાયકર્તા છે. બીજું, જો એક વાર આ કલમ હેઠળ ડ્રાઇવર અંદર જાય તો પછી નાના ટ્રાન્સપોર્ટરો તેને છોડાવવાના ચક્કરમાં નહીં પડે અને ડ્રાઇવર ૧૦ વર્ષની કેદમાં ચાલ્યો જતાં તેનો પરિવાર રખડી પડશે. એટલે તેમણે આખા દેશમાં ‘સ્ટિયરિંગ છોડો’ સ્ટ્રાઇક કરી દીધી હતી અને ગાડીઓ રસ્તાની એક બાજુ પાર્ક કરી દીધી હતી. આ સ્ટ્રાઇકને કારણે માલની હેરફેર અટકી જતાં લોકોને હેરાન થવું પડ્યું હતું. એ પછી સરકારે આ બાબતે વિચારીશું અને એને હાલ અમલમાં નહીં મૂકીએ એમ કહેતાં ટ્રાન્સપોર્ટરોએ સ્ટ્રાઇક પાછી ખેંચી હતી.
સરકારનો આભાર માન્યો
એ સ્ટ્રાઇક વખતે મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉન્ગ્રેસે હવે સરકારે આ બાબતે સ્પષ્ટતા કરતાં સરકારનો આભાર માન્યો છે. એની કોર કમિટીના ચૅરમૅન બાલ મલકિત સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકાર દ્વારા એ કલમ જાહેર કરાઈ ત્યારથી જ ડ્રાઇવરોમાં અને ટ્રાન્સપોર્ટરોમાં ચિંતાનું વાદળ ફેલાઈ ગયું હતું. એ પછી એનો વિરોધ થયો, સ્ટ્રાઇક થઈ અને અમે સરકારને વિનંતી કરી કે આ કલમને રદ કરવામાં આવે. જોકે એ વખતે સરકારે એને હાલ અમલમાં ન મૂકવી એવો નિર્ણય લીધો હતો. હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે એ કલમ ૧૦૬(૨) અમલમાં નહીં મુકાય. સરકારની આ સ્પષ્ટતાને કારણે ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી અને ડ્રાઇવરોએ રાહતનો શ્વાસ લીધો છે. અમે સરકારનો આભાર માનીએ છીએ કે એણે અમારી વિનંતી માન્ય રાખી છે.’