આ વિધાન એક વર્ષની દીકરીની ખરીદી કરનાર એક મહિલાને જામીન આપતી વખતે બૉમ્બે હાઈ કોર્ટે ઉચ્ચાર્યું હતું.
હાઈ કોર્ટ
બૉમ્બે હાઈકોર્ટ
મુંબઈ (પી.ટી.આઇ.) : આજે ૨૧મી સદીમાં પણ એવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં છોકરીઓને એક કૉમોડિટી તરીકે ટ્રીટ કરવામાં આવી હોય અને એનો ઉપયોગ નાણાકીય લાભ માટે કરવામાં આવ્યો હોય. આ વિધાન એક વર્ષની દીકરીની ખરીદી કરનાર એક મહિલાને જામીન આપતી વખતે બૉમ્બે હાઈ કોર્ટે ઉચ્ચાર્યું હતું.
જસ્ટિસ એસ. એમ. મોદકની સિંગલ બેન્ચે આઠમી ફેબ્રુઆરીએ ૪૫ વર્ષની અશ્વિની બાબરને જામીન આપ્યા હતા. મહારાષ્ટ્રના સાતારા પોલીસ સ્ટેશન દ્વારા તેની ગયા વર્ષે ધરપકડ થઈ હતી. અશ્વિની બાબરે તેની એક વર્ષની દીકરી વેચી હતી. જામીનઅરજી પરના આદેશમાં જસ્ટિસે કહ્યું હતું કે આ બાબત નૈતિકતા અને માનવ-અધિકારોના સિદ્ધાંતની દૃષ્ટિએ ખૂબ જ વાંધાજનક છે.
ફરિયાદી પક્ષનું એમ કહેવું છે કે બાબર અને તેનો પતિ જે ખુદ આ કેસમાં આરોપી છે તેમણે આપેલી લોનના બદલામાં તે છોકરીને માતા પાસેથી ખરીદી હતી. માતાને પૈસાની અત્યંત જરૂર હતી. હવે માતાએ લોન ચૂકવી દીધા બાદ આરોપી દંપતીએ બાળક પાછું આપવાનો ઇનકાર કર્યો ત્યારે માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં બાળકીને તેની માતાને સોંપવામાં આવી હતી.
કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે ‘આપણે ૨૧મી સદીમાં છીએ. અહીં હજી પણ એવી ઘટના બને છે, જેમાં છોકરીઓને એક વસ્તુ સમજવામાં આવે છે અને તેમનો નાણાકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવે છે.’
એક વર્ષની બાળકીને પોતાની માતા દ્વારા વેચવામાં આવે તે નૈતિકતા અને માનવ-અધિકારના સિદ્ધાંતો માટે અત્યંત વાંધાજનક છે.
અદાલતે કહ્યું હતું કે ‘વેચાણ શબ્દનો ઉપયોગ કરતાં ખૂબ દુઃખ થાય છે, પરંતુ જીવનની વાસ્તવિકતા એ જ છે કે બાળકીની માતાએ પૈસાની જરૂરિયાતના કારણે તેને વેચી દીધી હતી’.