નાટકમાં ભગવાન રામ અને સીતાને અપમાનજનક રીતે દર્શાવ્યાં એટલે...
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના વાર્ષિક સમારોહમાં એક નાટક દર્શાવવામાં આવ્યું હતું. એમાં રામાયણનાં મુખ્ય પાત્રો ભગવાન રામ અને સીતાને અપમાનજનક ચિત્રિત કરવામાં આવ્યાં હોવાની ફરિયાદ કેટલાક સ્ટુડન્ટ્સે કરતાં IIT-બૉમ્બેના આઠ સ્ટુડન્ટ્સને દંડ કરવાની સાથે તેમની હૉસ્ટેલની સુવિધા બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ૩૧ માર્ચે IIT-બૉમ્બેના ઓપન-ઍર થિયેટરમાં રોહોવન નામનું એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. રામાયણ આધારિત આ નાટકમાં ભગવાન અને સીતાની સાથે હિન્દુ ધર્મનું પણ અપમાન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કેટલાક સ્ટુડન્ટ્સે કરી હતી. IIT-બૉમ્બેએ ૪ જૂને આઠ સ્ટુડન્ટ્સને પેનલ્ટીની નોટિસ આપી હતી. આ પહેલાં ૮ મેએ નાટક સંબંધિત મળેલી ફરિયાદને ધ્યાનમાં રાખીને ડિસિપ્લિનરી કમિટીની એક બેઠક બોલાવવામાં આવી હતી. એમાં નાટક સાથે સંકળાયેલા સ્ટુડન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા અને તેમનો પક્ષ સાંભળવામાં આવ્યો હતો. બાદમાં મુખ્ય પ્રાત્ર ભજવનારા ચાર સ્ટુડન્ટ્સને ૧.૨ લાખ રૂપિયાનો દંડ તો ચાર જુનિયર આર્ટિસ્ટનું પાત્ર ભજવનારને ૪૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.