સુસાઈડ નોટમાંના ક્લાસમેટ વિશે આઇઆઇટીના સુસાઇડ કરનાર સ્ટુડન્ટના પપ્પાએ કર્યો ખુલાસો
દર્શન સોલંકી
આઇઆઇટી બૉમ્બેમાં ૧૨ ફેબ્રુઆરીએ આત્મહત્યા કરનાર દર્શન સોલંકીના પપ્પા રમેશ સોલંકીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ને ત્રીજી માર્ચે હૉસ્ટેલની રૂમમાં મળેલી એક લાઇનની સુસાઇડ-નૉટમાં જે નામ મળ્યું હતું એ ક્લાસમેટના નામે દર્શને ક્યારેય કોઈ ફરિયાદ નહોતી કરી.
એસઆઇટીએ જણાવ્યા અનુસાર આ સુસાઇડ-નોટ તેમને તપાસ દરમ્યાન મળી હતી, જેમાં માત્ર એક જ લાઇન લખવામાં આવી હતી, (સ્ટુડન્ટનું નામ)એ મારી હત્યા કરી છે. દર્શનનાં મમ્મી-પપ્પાએ તેનું લખાણ ઓળખી કાઢ્યું હોવા છતાં હજી હસ્તાક્ષરના નિષ્ણાતના રિપોર્ટ્સ મળવાના હજી બાકી છે.
ADVERTISEMENT
રમેશ સોલંકીએ સુસાઇડ-નોટમાં જણાવેલા સ્ટુડન્ટના નામ પર શંકા વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દર્શને ક્યારેય આ સ્ટુડન્ટનું નામ અમને કહ્યું નથી. આથી અમને એ વિશે શંકા છે.
દર્શન સોલંકીના પિતાએ પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે તેમના પુત્રએ તેને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય સ્કૉલરશિપ કાર્યક્રમ હેઠળ સ્કૉલરશિપ મળ્યા બાદથી જાતિ આધારિત ટિપ્પણીનો સામનો કરવો પડી રહ્યો હોવાની જાણ પરિવારજનોને કરી હતી. તેણે પોતાના પરિવારજનોને કહ્યું હતું કે કેટલાક સ્ટુડન્ટ્સ તેને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો હોવાને લીધે ટોણા મારતા હતા, જે તેને અપાર માનસિક વેદના પહોંચાડતા હતા.
રમેશ સોલંકીએ તેમના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે દર્શને આઇઆઇટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા એક સિનિયર સ્ટુડન્ટને તેને સહન કરવા પડતા ભેદભાવપૂર્ણ વર્તાવની ફરિયાદ કરી હતી. તેમના જણાવ્યાનુસાર આ સિનિયર સ્ટુડન્ટે આઇઆઇટી પૅનલને દર્શન સોલંકીએ સહન કરવા પડતા ભેદભાવપૂર્ણ વર્તનની વાત પોતાના સ્ટેટમેન્ટમાં જણાવી હતી, પરંતુ કમનસીબે તેના સ્ટેટમેન્ટને ધ્યાનમાં લેવામાં નથી આવ્યું. વધુમાં સોલંકી પરિવારે એવો દાવો કર્યો હતો કે પૅનલ સમક્ષ ભેદભાવપૂર્ણ વર્તનની વાત કરવાને લીધે આ સ્ટુડન્ટને ધમકીઓ મળી રહી છે.
ફરિયાદમાં દર્શન સોલંકીના પિતાએ પોલીસને આઇપીસીની કલમ ૩૦૨ (હત્યા) કે ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ કેસ નોંધવા વિનંતી કરી હતી. એસઆઇટીએ આઇપીસીની કલમ ૩૦૬ અને એટ્રોસિટી ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. એસઆઇટીએ ૩૦ કરતાં વધુ સ્ટેટમેન્ટ નોંધ્યાં છે તથા તેમની પ્રાથમિક તપાસમાં જણાવાયું હતું કે દર્શન સોલંકીને તેનો તે ક્લાસમેટ ધમકાવતો હતો, જેનું નામ તેણે સુસાઇડ-નોટમાં જણાવ્યું છે. જોકે આ સ્ટુડન્ટ દર્શનને આત્મહત્યા તરફ દોરી જતાં સંજોગો વિશે સ્પષ્ટતા કરી શક્યો નથી. એસઆઇટી તેની નાર્કો ટેસ્ટ કરવા વિચારી રહી છે. જોકે એફઆઇઆરમાં તેનું નામ આરોપી તરીકે નથી.
દર્શનના પિતાએ ઑનલાઇન પોર્ટલ પર સિનિયર સ્ટુડન્ટનો ઇન્ટરવ્યુ સબમિટ કર્યો છે, જેમાં દર્શને તેની સાથે થઈ રહેલા ભેદભાવપૂર્ણ વર્તન વિશે તેણે જણાવ્યું હતું. આ જ સ્ટુડન્ટે આઇઆઇટી પૅનલને પણ સ્ટેટમેન્ટ આપ્યું છે, પરંતુ પૅનલે જાતિ ભેદભાવને નકારી કાઢ્યું હતું. ‘મિડ-ડે’ સાથે બોલતાં દર્શન સોલંકીના પિતાએ કહ્યું હતું કે ‘મને નથી ખબર કે કયા ધોરણના આધારે પૅનલે પોતાનો રિપોર્ટ આપ્યો છે. હું ઇચ્છું છું કે પોલીસ જાતિય ભેદભાવના દૃષ્ટિકોણથી આ કેસની ઊઠડાણપૂર્વક તપાસ કરે.’
રમેશ સોલંકીએ એમ પણ કહ્યું હતું કે ‘કથિત આત્મહત્યા પહેલાં તેમનો પુત્ર તેમની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો અને તે અમદાવાદ આવવાની વાતથી ઘણો ખુશ હતો. જોકે વચ્ચેના સમયગાળામાં તેની સાથે શું થઈ ગયું એ જ અમે પોલીસ પાસેથી જાણવા માગીએ છીએ.’