અરમાન અને તેના રૂમમેટે પોલીસને કહ્યું કે ઘટના બની એ પહેલાં તેમની અને દર્શન વચ્ચે બહાર ફરવા જવાની અને પેન-ડ્રાઇવ આપવાની ચર્ચા થઈ હતી
ફાઇલ તસવીર
આઇઆઇટી-બૉમ્બેના સ્ટુડન્ટ દર્શન સોલંકીની આત્મહત્યાના કેસની તપાસ માટે બનાવવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ શોધી કાઢ્યું હતું કે કથિત આત્મહત્યાના ૧૫થી ૨૦ મિનિટ પહેલાં આરોપી અને દર્શન વચ્ચે સામાન્ય વાતચીત થઈ હતી. આરોપી અને તેનો રૂમમેટ દર્શન સોલંકીના રૂમમાં ગયા હતા તેમ જ તેમની પેન-ડ્રાઇવમાં મર્યાદિત
જગ્યા હોવાથી તેની પાસેથી પેન-ડ્રાઇવ માગી હતી.
એસઆઇટીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે દર્શન સોલંકીએ ૧૨ ફેબ્રુઆરીએ બપોરે એક વાગ્યે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલાં તેણે પોતાના પિતાનો સંપર્ક કર્યો હતો તેમ જ ઘરે આવવાની યોજના પણ બનાવી હતી. વળી તે પોતાના મિત્રો સાથે રાયગડમાં આવેલા ઇમેજિકા પાર્કમાં જવાનો હોવાનું રૂમમેટે પણ એસઆઇટીને સ્ટેટમેન્ટ આપ્યું હતું. એ મુજબ અરમાન અને દર્શન સોલંકી સહિત ૧૦ વિદ્યાર્થીઓ ઇમેજિકા જવાની તૈયારી કરી રહ્યા હતા. અરમાને દર્શન સોલંકીને પૂછ્યું પણ હતું કે તું આવે છે? એના જવાબમાં તેણે કહ્યું હતું કે તે તૈયાર થઈને તેમની સાથે આવશે. આ વાતચીત બાદ અરમાન અને રૂમમેટ સાથે દર્શન સોલંકીના રૂમમાં ગયા તેમ જ સૉફ્ટવેર ગેમ ડાઉનલોડ કરવા માટે પેન-ડ્રાઇવ પણ માગી હતી. દર્શન સોલંકીએ ૩૦ જીબીની પેન-ડ્રાઇવ તેમને આપી હતી. ત્યાર બાદ તેઓ તેમની રૂમમાં ગયા હતા.
ADVERTISEMENT
બન્ને રૂમમાં ગયાની થોડી મિનિટ બાદ દર્શને પોતાની રૂમમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. અરમાન અને તેનો રૂમમેટ દર્શન સોલંકીની રૂમમાં ગયા ત્યારે બીજું કંઈ બન્યું હતું ખરું એની તપાસ હાલ પોલીસ કરી રહી છે. એસઆઇટીએ અરમાનની પૂછપરછ કરી હતી. તેણે કહ્યું કે ૯ ફેબ્રુઆરીએ તેમની વચ્ચે સમસ્યા હતી, પરંતુ તેમણે વાતચીત કરીને એનો ઉકેલ લાવી દીધો હતો. અરમાને એવો પણ દાવો કર્યો હતો કે ત્યાર બાદ તેમણે સાથે બહાર જવાની યોજના પણ બનાવી હતી. જોકે અરમાને એસઆઇટીને એ વાત નહોતી જણાવી કે દર્શન સોલંકીએ કરેલી કોઈ ધાર્મિક ટિપ્પણીને કારણે તે ગુસ્સે થયો હતો અને એને કારણે તેણે દર્શનને ધમકી પણ આપી હતી. ઑફિસરે કહ્યું હતું કે અરમાને એ વાતનો ખુલાસો નહોતો કર્યો કે તે શા માટે દુખી હતો તેમ જ ૯ ફેબ્રુઆરીએ બન્ને વચ્ચે વિવાદ કયા મુદ્દે હતો.
દર્શનની રૂમમાંથી દવા મળી
બીજી બાજુ, આ કેસની તપાસ કરી રહેલી એસઆઇટીને દર્શનના રૂમમાંથી અમુક દવા મળી આવી હોવાથી એ દવાઓ શેની છે અને એ શેના માટે લેવામાં આવે છે એ જાણવા માટે એને સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરના ઑપિનિયન માટે મોકલી આપવામાં આવી છે. પોલીસને એ જાણવું છે કે તે કોઈ માનસિક બીમારીની દવા તો નહોતો લેતોને?