આ સવાલનો જવાબ મેળવવા પોલીસે દર્શન સોલંકીના કેસમાં તેના ક્લાસમેટ અરમાન ખત્રીની કરી ધરપકડ
દર્શન સોલંકીની ફાઇલ તસવીર
બૉમ્બે આઇઆઇટીના અમદાવાદના ગુજરાતી સ્ટુડન્ટ દર્શન સોલંકીના મૃત્યુના મામલામાં એસઆઇટીએ ગઈ કાલે દર્શનના ૧૯ વર્ષના ક્લાસમેટ અરમાન ખત્રીની ધરપકડ કરી હતી. આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાની સાથે ઍટ્રોસિટી કાયદા અંતર્ગત આ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની કોર્ટમાંથી ૧૩ એપ્રિલ સુધીની કસ્ટડી મેળવી હતી. દર્શન સોલંકીએ આત્મહત્યા કરતાં પહેલાં એક વાક્યમાં લખેલી સુસાઇડ નોટમાં ‘અરમાને મારી હત્યા કરી’ લખ્યું હતું. પોલીસે આ બાબતે અરમાનની પૂછપરછ કરી હતી, પરંતુ તે સહયોગ કરતો ન હોવાથી તેની પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ અરમાન ખત્રી પણ બૉમ્બે આઇઆઇટીમાં કેમિસ્ટ્રીના પહેલા વર્ષનો સ્ટુડન્ટ છે. દર્શન સોલંકીએ આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટમાં અરમાનનું નામ લખ્યું છે. આ વિશે એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ‘સુસાઇડ નોટમાં નામ લખેલું હોવાનું જાણ્યા બાદ અમે અરમાન ખત્રીનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તે દર્શન સોલંકી સાથે શું થયું હતું અને તેણે શા માટે તેનું નામ સુસાઇડ નોટમાં લખ્યું છે એ વિશે કંઈ કહેતો નહોતો. આથી આ મામલે આગળની તપાસ કરવા માટે અરમાન ખત્રીની ધરપકડ કરવામાં આવી છે.’
આ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ‘આ મામલામાં કૉલેજના સ્ટુડન્ટ્સનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે, જેમાં જણાયું છે કે દર્શન સોલંકીના મૃત્યુના પાંચ દિવસ પહેલાં તેણે અરમાન ખત્રી પર સાંપ્રદાયિક ટિપ્પણી કરી હતી એટલે અરમાન તેના પર બગડ્યો હતો. બાદમાં અરમાને દર્શનને કટર બતાવીને ધમકાવ્યો હતો અને છોડીશ નહીં એવી ધમકી આપી હતી. આથી દર્શન ભયભીત થઈ ગયો હતો એટલે તેણે અરમાનની બે વખત માફી માગી હતી અને બંનેએ હગ પણ કર્યું હતું. જોકે દર્શનનો ડર મનમાંથી ગયો નહોતો એટલે તેને તાવ આવી ગયો હતો અને બાદમાં તેણે આત્મહત્યા કરી લીધી હતી.’
ADVERTISEMENT
આઇઆઇટીના એક સ્ટુડન્ટના નિવેદન મુજબ દર્શન સોલંકી તેના ઘરે અમદાવાદ જવા માગતો હતો, પરંતુ અરમાન ખત્રીના નજીકના સંબંધીઓ અમદાવાદમાં રહે છે એટલે અરમાન અમદાવાદ આવીને પોતાને નુકસાન પહોંચાડશે એવો ડર દર્શનને સતાવતો હતો. સ્ટુડન્ટના આ નિવેદન બાદ અરમાનના ડરને લીધે જ દર્શને આત્મહત્યા કરી હોવાની શંકા પોલીસને થતાં તેની ધરપકડ કરવામાં આવી છે.
જોકે જાતીય ભેદભાવને કારણે દર્શન સોલંકીએ આમહત્યા કરી હોવાના કોઈ પુરાવા હજી સુધી પોલીસને હાથ નથી લાગ્યા. દર્શન સોલંકીની આત્મહત્યાની ફરિયાદ શરૂઆતમાં પવઈ પોલીસમાં નોંધવામાં આવી હતી. બાદમાં પરિવારે જાતીય ભેદભાવને કારણે દર્શન સોલંકીએ આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરીને આ મામલે વ્યવસ્થિત તપાસ કરવાની માગણી કરી હતી. આથી એસઆઇટી દ્વારા આ મામલાની તપાસ કરાઈ રહી છે. એસઆઇટીની તપાસમાં દર્શનના મૃત્યુ બાદ ૩ માર્ચે તેની હૉસ્ટેલની રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. આથી શંકાના આધારે પોલીસે ગઈ કાલે અરમાન ખત્રીની ધરપકડ કરીને તેની ૧૩ એપ્રિલ સુધીની કસ્ટડી મેળવી હતી.