જોકે આ કેસમાં એસઆઇટીની તપાસ હજી પૂરી થઈ નથી અને કોઈ પુરાવા પણ મળ્યા ન હોવાથી એ એફઆઇઆર નોંધશે કે નહીં એ કહેવું મુશ્કેલ
દર્શન સોલંકી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી)માં પહેલા વર્ષમાં અભ્યાસ કરતા દર્શન સોલંકીની આત્મહત્યાના કેસમાં આંબેડકર પેરિયાર ફુલે સ્ટડી સર્કલ (એપીપીએસસી) અને આંબેડકરાઇટ સ્ટુડન્ટ્સ કલેક્ટિવ (એએસસી)ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સમૂહે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને દર્શન સોલંકીના મૃત્યુના કેસમાં એફઆઇઆર નોંધવા રાજ્ય પોલીસને નિર્દેશ આપવાની વિનંતી કરવામાં આવી છે. જોકે આ કેસમાં એસઆઇટીની તપાસ હાલમાં પૂરી થઈ નથી. એની સાથે દર્શનના પરિવારે કરેલા આરોપમાં એસઆઇટીને કોઈ પુરાવા ન મળતાં એફઆઇઆર નોંધશે કે નહીં એ કહેવું મુશ્કેલ બની રહ્યું છે.
મૂળ અમદાવાદના અને આઇઆઇટી-બૉમ્બેના પ્રથમ વર્ષ બીટેકના ૧૮ વર્ષના વિદ્યાર્થી દર્શન સોલંકીએ ૧૨ ફેબ્રુઆરીએ આઇઆઇટીના પવઈ કૅમ્પસમાં હૉસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળથી કૂદીને આત્મહત્યા કરી હતી. એ પછી પરિવારે તેના મૃત્યુ પાછળ રમત રમાઈ છે અને તે જાતિભેદનો સામનો કરતો હતો એવા આરોપ કર્યા હતા. આત્મહત્યાના કેસમાં જાતિભેદના આરોપને લઈને આઇઆઇટી-બૉમ્બે દ્વારા સમાંતર તપાસ કરવા માટે પૅનલની રચના કરાઈ હતી. એ પછી ૨૪ ફેબ્રુઆરીએ રાજ્ય સરકારે આ કેસમાં એસઆઇટીની રચના કરી હતી. મંગળવારે દર્શનના ૧૯મા જન્મદિવસે આંબેડકર પેરિયાર ફુલે સ્ટડી સર્કલ અને આંબેડકરાઇટ સ્ટુડન્ટ્સ કલેક્ટિવના આઇઆઇટી-બૉમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના જૂથે સંયુક્ત રીતે દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. એમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી એસઆઇટી એની તપાસ પોલીસ દ્વારા દાખલ કરાયેલા અકસ્માત મૃત્યુ રિપોર્ટ (એડીઆર)ના આધારે કરી રહી છે. દર્શનના પરિવાર અને તેમની સાથેના વકીલોની અનેક અરજીઓ છતાં પવઈ પોલીસ સ્ટેશને એફઆઇઆર દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ દર્શનનાં માતા-પિતાને મળવા આવ્યા હતા. તેમણે પણ એફઆઇઆર દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી એસઆઇટી દ્વારા કેસની તપાસ ચાલી રહી હોવાથી એસઆઇટીએ સ્થાનિક પોલીસ સ્ટેશનને આ કેસ દાખલ કરવા માટે નિર્દેશ કરવો પડશે. જોકે વકીલોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની દલીલ કરી હતી જેમાં જણાવાયું હતું કે પોલીસ સ્ટેશન એસઆઇટીને ધ્યાનમાં લીધા વિના એફઆઇઆર દાખલ કરી શકે છે.
ADVERTISEMENT
આ માહિતી આપતાં દર્શન સોલંકીના પિતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા આશરે એક મહિનાથી એસઆઇટી કેસની તપાસ કરી રહી છે. તેમણે અમને બે વાર બોલાવીને અમારી પાસેથી માહિતી લીધી છે અને અમારા પરિવારનાં સ્ટેટમેન્ટ્સ પણ નોંધ્યાં છે. એસઆઇટીની ટીમના સિનિયર ઑફિસરને અમે ગયા અઠવાડિયે મળ્યા હતા અને તેમને પણ અમે એફઆઇઆર નોંધવા માટે અપીલ કરી હતી. જોકે તેમણે હાલમાં તપાસ ચાલુ હોવાથી એફઆઇઆર નોંધવાનો ઇનકાર કર્યો હતો એટલે અમારી સાથે બે વિદ્યાર્થી જૂથોએ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને અમારા પુત્રના કેસમાં એફઆઇઆર નોંધવાની અપીલ કરી છે.’
રાજ્ય દ્વારા રચાયેલી એસઆઇટી ટીમના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દર્શન સોલંકીના પરિવાર દ્વારા કરાયેલા આરોપ પર અમે એક પછી એક તપાસ કરી રહ્યા છીએ. જોકે અમને આરોપો સિદ્ધ કરવા માટે પુરાવા મળી નથી રહ્યા છે. હાલમાં અમે ટેક્નિકલ તપાસ કરી રહ્યા છીએ.’