મુંબઈગરા માટે કેરી ખાવાનો આ પર્ફેક્ટ સમય છે, કારણ કે અત્યારે એની ક્વૉલિટી અને ભાવ બંને સારાં છે. હોલસેલ માર્કેટમાં કેરીની આવક વધતાં ભાવમાં ઘટાડો : આફૂસના ભાવ ચારથી પાંચ ડઝનના બૉક્સના ૧૫૦૦થી ૪૦૦૦ રૂપિયા
આફૂસ ખાવી હોય તો અત્યારે ખાઈ લો
નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસી માર્કેટમાં આફૂસ કેરીના ભાવમાં ૧૦૦૦ રૂપિયાથી લઈને ૧૫૦૦ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. ગયા અઠવાડિયા સુધી હોલસેલ માર્કેટમાં કેરીના ભાવ એના કદ અને સ્વાદના આધારે ચારથી પાંચ ડઝન કેરીના બૉક્સના ૨૦૦૦થી ૫૦૦૦ રૂપિયા સુધી હતા, જે હવે ઘટીને ૧૫૦૦થી ૪૦૦૦ રૂપિયા થઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ, ભેજ અને અતિશય ગરમીને કારણે આ વર્ષે આફૂસ કેરીના સ્વાદ અને ગુણવત્તાને અસર થઈ છે જેને કારણે એકંદરે ઉત્પાદન લગભગ ૩૦થી ૩૫ ટકા ઘટે એવી શક્યતા હતી.
જોકે સોમવારથી માર્કેટમાં રત્નાગિરિ, દેવગઢ અને આસપાસના વિસ્તારોમાંથી હવે રોજની આફૂસની ૫૫,૦૦૦ પેટીઓ નવી મુંબઈના વાશીમાં આવવાની શરૂઆત થઈ જતાં માર્કેટમાં આફૂસ કેરીના ભાવમાં ઘટાડો થયો છે. આ માહિતી આપતાં વાશીની ફ્રૂટમાર્કેટના અગ્રણી વેપારી સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈગરા માટે કેરી ખાવાનો આ પર્ફેક્ટ સમય છે. અત્યારે કેરીની ગુણવત્તા અને ભાવ બંને સારાં છે. હાફૂસની સાથે પશ્ચિમ મહારાષ્ટ્ર, રત્નાગિરિ અને રાયગડની કેસર કેરી પણ માર્કેટમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. લોકો એના સ્વાદનો પણ લાભ લઈ શકે છે.’
પશ્ચિમ મહારાષ્ટ્ર, રત્નાગિરિ અને રાયગડની કેસર કેરી પણ માર્કેટમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. લોકો એના સ્વાદનો પણ લાભ લઈ શકે છે.
સંજય પાનસરે, વાશીની ફ્રૂટમાર્કેટના અગ્રણી વેપારી