આ ઉપરાંત વસઈ-વિરાર સુધરાઈ દ્વારા પ્રૉપર્ટી ટૅક્સમાં પણ રાહત આપવાનો વિચાર
નવો નિર્ણય
સ્મશાનભૂમિમાં ગૅસદાહિની.
મુંબઈ : વસઈ-વિરાર મહાનગરપાલિકાએ પર્યાવરણને મહત્ત્વ આપતાં સ્મશાનભૂમિમાં ગૅસદાહિનીનો વધુમાં વધુ વપરાશ થાય એ માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો છે. એમાં ગૅસદાહિનીમાં અગ્નિસંસ્કાર કરનારા પરિવારોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત આવા પરિવારોને પ્રૉપર્ટી ટૅક્સમાં પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવાની પણ વિચારણા ચાલી રહી છે.
વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પ્રદૂષણને રોકવા માટે વિવિધ ક્ષેત્રોમાં છ સ્મશાનભૂમિમાં ગૅસદાહિની બેસાડવામાં આવી છે. જોકે એક વર્ષ બાદ પણ નાગરિકોનો એને પ્રતિસાદ મળ્યો નથી. ગૅસદાહિની હોવા છતાં એમાં અંતિમ સંસ્કાર કરવાને બદલે લોકો તેમના પરિવારના સભ્યોના અંતિમ સંસ્કાર પરંપરાગત રીતે કરી રહ્યા છે. આ કારણે આ ગૅસદાહિની શોભાના પૂતળા સમાન ઊભેલી દેખાય છે. ગૅસદહિનીનો ઉપયોગ થતો ન હોવાથી મહાનગરપાલિકાને લાકડાં પાછળ ખર્ચ કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પરંપરાગત અગ્નિસંસ્કાર કરવાથી વૃક્ષો કપાય છે અને લાકડાં સળગાવવાથી ધુમાડાનું પ્રદૂષણ થાય છે. એથી એને અટકાવવા માટે મહાનગરપાલિકાએ હવે જનજાગૃતિ ફેલાવવાનું નક્કી કર્યું છે જેથી વધુ ને વધુ લોકો ગૅસદાહિનીનો ઉપયોગ કરે. આ ઉપરાંત સ્મશાનભૂમિમાં અગ્નિસંસ્કાર માટે મોટા પ્રમાણમાં લાકડાંની જરૂર પડે છે. આ લાકડાં મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્ય આપવામાં આવે છે. જો આ લાકડાંની કિંમત વસૂલ કરવામાં આવે તો લોકો ગૅસદાહિનીમાં અંતિમ સંસ્કાર કરવાનું વિચારશે. એથી મહાનગરપાલિકા અંતિમ સંસ્કાર માટે લાકડાંના ભાવ વસૂલ કરવાનું પણ વિચારી રહી છે.