સમાજવાદી પાર્ટીએ પાંચ બેઠક નહીં મળે તો પચીસ જગ્યાએ ઉમેદવાર ઊભા રાખવાની ચીમકી ઉચ્ચારી
અબુ આઝમી
મહા વિકાસ આઘાડીમાં બેઠકોની સમજૂતીમાં સમય લાગી રહ્યો છે ત્યારે આઘાડીમાં સામેલ સમાજવાદી પાર્ટીએ ચીમકી આપી છે કે એને પાંચ બેઠક નહીં ફાળવવામાં આવે તો એ પચીસ બેઠકમાં સ્વતંત્ર ઉમેદવાર ઊભા રાખશે. સમાજવાદી પાર્ટીની માગણી પૂરી નહીં કરવામાં આવે તો મહા વિકાસ આઘાડીમાં ભંગાણ થવાની શક્યતા છે.
સમાજવાદી પાર્ટીના નેતા અને વિધાનસભ્ય અબુ આઝમીએ ગઈ કાલે શરદ પવારની મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ અબુ આઝમીએ પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘મહા વિકાસ આઘાડીમાં બેઠકોની સમજૂતી આવતી કાલ સુધી જાહેર નહીં કરવામાં આવશે તો અમે સ્વબળે ચૂંટણી લડીશું. અમે રાજ્યભરમાં પાંચ ઉમેદવાર જાહેર કર્યા છે. આથી મહા વિકાસ આઘાડીમાં અમને પાંચ બેઠક ફાળવવામાં આવે એવી માગણી શરદ પવાર સમક્ષ કરી છે. આટલી બેઠક નહીં મળે તો અમે પચીસ બેઠક સ્વતંત્ર રીતે લડીશું.’