આયુષ દોશીના અવસાન પછી રેલવે પ્રવાસી સંઘની ચીમકી
આયુષ દોશી
ડોમ્બિવલીમાં રહેતા ઇન્ડસ્ટ્રિયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI)ના વિદ્યાર્થી આયુષ દોશીનું મંગળવારે સવારે અમાનવીય ભીડને કારણે લોકલ ટ્રેનમાંથી પડી જવાને કારણે મૃત્યુ થયા બાદ આ રૂટ પર અવારનવાર આવા બનાવ બનતા હોવા છતાં રેલવે કે પોલીસ તરફથી કોઈ પગલાં લેવામાં આવતાં ન હોવાથી પૅસેન્જર અસોસિએશન ગુસ્સે ભરાયું છે અને એણે ચીમકી આપી છે કે જો પ્રવાસીઓની આવી દયનીય પરિસ્થિતિ સામે ધ્યાન આપીને જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો બદલાપુર જેવું વિરોધ-પ્રદર્શન થશે.
સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓએ ભોગવવી પડતી હાડમારીનો વિરોધ કરવા બાવીસમી ઑગસ્ટે મુંબઈના સૌથી મોટા અને જૂના રેલવે પૅસેન્જર અસોસિએશન મુંબઈ પ્રવાસી સંઘના નેજા હેઠળ અન્ય પૅસેન્જર અસોસિએશનોએ પણ સફેદ કપડાં પહેરીને અને બ્લૅક પટ્ટી લગાડીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ત્યારે મુંબઈ પ્રવાસી સંઘના પ્રેસિડન્ટ મધુ કોટિયને કહ્યું હતું કે જો સરકાર લોકશાહી પદ્ધતિથી કરેલા આંદોલનને ગણકારશે નહીં તો પ્રવાસીઓમાં એવો સંદેશો જશે કે જો સરકાર સુધી વાત પહોંચાડવી હોય તો બદલાપુર જેવું કલાકો સુધી રેલ રોકો આંદોલન કરવું પડશે અને તો જ સરકાર હલશે.
ADVERTISEMENT
ડોમ્બિવલીથી થાણે દરમ્યાન લોકલ ટ્રેનમાં જબરદસ્ત ગિરદી હોવાને કારણે લોકો એટલી હદે હેરાન-પરેશાન થાય છે કે જો રેલવે કોઈ સુધારા નહીં કરે તો બદલાપુર જેવો પ્રોટેસ્ટ ડોમ્બિવલી અથવા થાણેમાં જોવા મળશે એમ જણાવતાં મુંબઈ રેલ પ્રવાસી સંઘના મહામંત્રી સિદ્ધેશ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેથી આગળ તમામ મધ્યમવર્ગના નાગરિકો રહે છે અને આવા લોકો માટે મધ્ય રેલવે કોઈ સુવિધા કરવા તૈયાર નથી. છેલ્લા ઘણા વખતથી ટ્રેનો અનિયમિત દોડે છે જેને કારણે પાછળ આવતી દરેક ટ્રેનમાં ભીડ વધવાથી ટ્રેનમાંથી પડી જતાં ઘણા લોકોના જીવ ગયા છે. લોકલ ટ્રેન માટે અનામત રાખેલા પાટા પર મેલ-એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવતી હોવાથી લોકલ ટ્રેનો ઘણી વાર મોડી છોડવામાં આવે છે અથવા તો સિગ્નલ પર ઊભી રાખી દેવામાં આવે છે. આ પ્રૉબ્લેમ દૂર થવો જરૂરી છે. એ ઉપરાંત ટ્રેનની ફ્રીક્વન્સી પણ વધારવી એટલી જ જરૂરી છે. ૧૨ ડબ્બાની ટ્રેનમાં ૩૫૦૦ જેટલા લોકો પ્રવાસ કરે એટલી ક્ષમતા હોય છે, પણ પીક-અવર્સમાં એમાં ૬૦૦૦ જેટલા લોકો પ્રવાસ કરતા હોય છે.’
જો રેલવે એ માટે કોઈ પગલાં નહીં ભરે તો આગામી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પર એની અસર જોવા મળશે એમ જણાવતાં ઉપનગરીય રેલવે પૅસેન્જર અસોસિએશનનાં અધ્યક્ષ લતા અરગડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખબર નથી હજી કેટલા યુવાનોનો આ જીવલેણ લોકલ ટ્રેન ભોગ લેશે. રેલવે દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને લઈને કોઈ પગલાં લેવાતાં નથી. આ બાબતે અમે રેલવે, ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના સિનિયર અધિકારીઓને મળીને ભીડને કાબૂમાં લાવવાની વિનંતી કરી હતી, પણ તેમણે હજી સુધી કાંઈ નથી કર્યું. અમે થાણે અને ડોમ્બિવલીના રાજકારણીઓને પણ આ બાબતે મળ્યાં હતાં, પરંતુ તેઓ પણ અમારી વાત સાંભળવા તૈયાર નથી. જો કોઈ સુધારાત્મક પગલાં નહીં લેવાય તો વિધાનસભાની ચૂંટણીમાં અમે એનો જવાબ આપીશું.’
71
જાન્યુઆરીથી અત્યાર સુધી ડોમ્બિવલીથી થાણે વચ્ચે ગિરદીને કારણે ટ્રેનમાંથી પડવાને લીધે આટલા પ્રવાસીઓનાં મૃત્યુ થયાં છે.