ઑસ્ટ્રેલિયાથી લગ્ન નિમિત્તે આવેલા ૨૨ વર્ષના ગુજરાતી યુવાનની ચોરી થયેલી બૅગ પોલીસે ૨૪ કલાકમાં શોધી કાઢી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : ઑસ્ટ્રેલિયાથી લગ્ન નિમિત્તે આવેલા ૨૨ વર્ષના ગુજરાતી વિદ્યાર્થીની બૅગ ઍરપોર્ટ પર ટૅક્સી શોધવા જતાં ટ્રૉલીમાંથી ચોરાઈ ગઈ હતી. પોતે એકલો અને બીજી કોઈ વ્યવસ્થા ન હોવાથી તેની હાલત કફોડી થઈ ગઈ હતી. પહેલાં તો આસપાસ કોઈ મદદ માટે નહોતું મળ્યું. અંતે તે સહાર પોલીસ સ્ટેશનની ઍરપોર્ટ પર આવેલી ચોકીમાં પહોંચ્યો હતો અને ત્યાં હાજર અધિકારીને પોતાની સાથે બનેલી ઘટનાની માહિતી આપતાં પોલીસ તરત જ ઍક્શનમાં આવી ગઈ હતી. ફરિયાદ નોંધતાં પહેલાં જ તેમણે ઍરપોર્ટ ઑથોરિટી પાસેથી સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવીને એના આધારે આરોપીની ૨૪ કલાકમાં ધરપકડ કરી હતી અને ફરિયાદીને તેના પૈસા પાછા આપ્યા હતા. મુંબઈ પોલીસે કરેલી આ કામગીરી બદલ યુવકે કહ્યું હતું કે જો પોલીસ મને યોગ્ય સમયે ન મળી હોત તો મારું શું થાત એ વિચારીને હું ગભરાઈ જાઉં છું.
કેન્યામાં રહેતા અને ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા ૨૨ વર્ષના કાંતિલાલ મંજી હીરાનીએ કરેલી ફરિયાદ અનુસાર ૧૭ જાન્યુઆરીએ કચ્છમાં કોટડી ગામમાં એક લગ્ન હોવાથી તે મુંબઈ આવ્યો હતો. બપોરે બે વાગ્યે ફ્લાઇટ લેન્ડ થયા બાદ ઍરપોર્ટની બહાર ટૅક્સી માટે પૂછવા જતાં તેની એક બૅગ ચોરાઈ હતી, જેમાં ૧૨ હજાર રૂપિયા અને અગત્યની ચીજો રાખેલી હતી. થોડી વાર આસપાસ શોધ્યા પછી પણ બૅગ ન મળતાં કાંતિલાલ ખૂબ ગભરાઈ ગયો હતો. અંતે ઍરપોર્ટના સ્ટાફ પાસેથી માહિતી લઈને તે ઍરપોર્ટ પર આવેલી પોલીસચોકીમાં ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો. ત્યાં હાજર પોલીસે ફરિયાદ નોંધવા પહેલાં જ આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. એમાં ઍરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફના બે લોકો ચોરીમાં સામેલ હોવાનું માલૂમ થતાં એની તમામ માહિતી મેળવીને હરીશ પાટીલ અને મોહમ્મદ કુરેશી નામની બે વ્યક્તિની ધરપકડ કરી હતી. બન્ને પાસેથી ચોરી થયેલા પૈસા અને અગત્યના ડૉક્યુમેન્ટ્સ પોલીસે જપ્ત કર્યા હતા અને ફરિયાદીને પાછા આપ્યા હતા.
ADVERTISEMENT
ફરિયાદી કાંતિલાલ હીરાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મુંબઈ આવી કચ્છ જવા માટે ટૅક્સીની શોધમાં હતો ત્યારે મારી બૅગ ચોરાઈ ગઈ હતી. એક સમયે તો મને એમ થયું હતું કે હવે હું ક્યાં જઈશ અને શું કરીશ? થોડી વાર તો હું ખૂબ જ ગભરાઈ ગયો હતો. જોકે પછી મેં પોલીસ પાસે જઈને મારી સાથે બનેલી ઘટનાની માહિતી આપી હતી. મુંબઈ પોલીસના અધિકારીઓ તરત મારી મદદે આવ્યા હતા. તેમણે ટીમવર્ક કરીને મારા પૈસા અને ડૉક્યુમેન્ટ્સ માત્ર ગણતરીના કલાકોમાં જ પાછા મેળવી આપ્યા હતા. આ માટે હું મુંબઈ પોલીસનો હંમેશાં આભારી રહીશ.’
સહાર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું કામ છે દરેક નાગરિકને કામ આવવું. આ કેસના મહત્ત્વને સમજીને અમારા અધિકારીઓએ ટીમવર્ક કર્યું હતું અને ફરિયાદીએ આપેલા સ્પૉટ પરના સીસીટીવી કૅમેરાનું ફુટેજ ચેક કરતાં અમને આરોપીઓ મળી આવ્યા હતા. તેમની પાસેથી ૧૦૦ ટકા રિકવરી કરીને અમે ફરિયાદીને તેના પૈસા અને ડૉક્યુમેન્ટ્સ પાછા આપ્યા હતા.’