શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે જો અજિત પવાર એનસીપીના નેતાઓના જૂથ સાથે ભાજપ સાથે હાથ મિલાવશે તો મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે સરકારનો ભાગ બનશે નહીં
ફાઇલ તસવીર
NCPના વરિષ્ઠ નેતા અજિત પવાર (Ajit Pawar)ના બીજેપી (BJP)માં જવાની અટકળો બાદ મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. હવે આ મામલે એકનાથ શિંદે (Eknath Shinde) જૂથ દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે જો અજિત પવાર એનસીપીના નેતાઓના જૂથ સાથે ભાજપ સાથે હાથ મિલાવશે તો મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે સરકારનો ભાગ બનશે નહીં.
સંજય શિરસાટે (Sanjay Shirsat) મંગળવારે મુંબઈમાં કહ્યું હતું કે તેમને લાગે છે કે NCP સીધો ભાજપ સાથે હાથ નહીં મિલાવે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે (Eknath Shinde)ના નેતૃત્વમાં શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર છે. શિરસાટે કહ્યું કે, “અમારી રણનીતિ સ્પષ્ટ છે. એનસીપી એવી પાર્ટી છે જે છેતરપિંડી કરે છે. અમે તેમની સાથે મળીને શાસન કરીશું નહીં. જો ભાજપ એનસીપી સાથે જોડાશે તો મહારાષ્ટ્રને ગમશે નહીં. અમે (ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનામાંથી) બહાર નીકળવાનું નક્કી કર્યું કારણ કે લોકોને અમારું કૉંગ્રેસ અને એનસીપી સાથે રહેવાનું પસંદ ન હતું.”
ADVERTISEMENT
"તમે એકલા આવો તો તમારું સ્વાગત છે"
શિરસાટે કહ્યું કે, “અજિત પવારે કંઈ કહ્યું નથી. તેનો અર્થ એ છે કે તે NCPમાં રહેવા માગતા નથી. અમે કૉંગ્રેસ અને એનસીપી છોડી દીધી છે, કારણ કે અમે તેમની સાથે રહેવા માગતા ન હતા. અજિત પવારને ત્યાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. તેથી જો તે NCP છોડશે તો અમે તેમનું સ્વાગત કરીશું. જો તેઓ એનસીપીના નેતાઓ સાથે આવશે તો અમે સરકારનો ભાગ નહીં બનીએ.”
આ પણ વાંચો: અજિત પવારે અટકળો પર ઠંડું પાણી રેડી દીધા પછી પણ રાજકીય ગરમાવો કાયમ
શિરસાટને તાજેતરમાં જ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, “અજિત પવારના સંપર્કમાં ન રહેવું એ નવી વાત નથી, પરંતુ તેમની નારાજગી, જે મીડિયા દ્વારા બતાવવામાં આવી રહી છે, તેને અમારા કેસ (સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ) સાથે કોઈ લેવાદેવા નથી. પુત્ર પાર્થ પવારની હારથી અજિત પવાર નારાજ છે.”