ઇલેક્શન પછી મહારાષ્ટ્રમાં ચીફ મિનિસ્ટર કોણ બનશે એ બાબતે વિનોદ તાવડેનું ઇન્ટરેસ્ટિંગ તારણ
વિનોદ તાવડે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાનને માત્ર બે અઠવાડિયાં બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી વધુ બેઠક મેળવશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. BJPના નૅશનલ જનરલ સેક્રેટરી વિનોદ તાવડે મહારાષ્ટ્રના છે અને તેમણે બોરીવલીની બેઠક પર બળવો કરનારા ગોપાલ શેટ્ટીને મનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે એટલે ચૂંટણી બાદ વિનોદ તાવડેને જ મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવી ચર્ચા છે. વિનોદ તાવડેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘જેમના નામની ચર્ચા થતી હોય છે એ ક્યારેય મુખ્ય પ્રધાન નથી બનતા. આગામી મુખ્ય પ્રધાન માટે મારા નામની ચર્ચા છે એટલે હું મુખ્ય પ્રધાન નહીં બનું. રાજસ્થાન અને મધ્ય પ્રદેશનાં ઉદાહરણો આપણી સમક્ષ છે. ભજનલાલ શર્મા અને મોહન યાદવનાં નામ ક્યાંય ચર્ચામાં નહોતાં. તેમનાં નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ જ ખ્યાલ આવ્યો હતો કે તેઓ મુખ્ય પ્રધાન બની રહ્યા છે. ઓડિશામાં પણ નવા ચહેરાને જ મુખ્ય પ્રધાનની ખુરસી સોંપવામાં આવી હતી. આવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ જેમના નામની ચર્ચા છે તેને બદલે સરપ્રાઇઝ નામ આવી શકે છે.’
ઉલ્લેખનીય છે કે સત્તાધારી મહાયુતિએ વિધાનસભાની ચૂંટણી અત્યારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીમાં લડવાનું જાહેર કર્યું છે. ચૂંટણીના રિઝલ્ટ બાદ નવા મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.