કોઈએ અમારી વકીલાત કરવાની જરૂર નથી. અમારી પાર્ટીના પ્રવક્તા સક્ષમ છે : અજિત પવાર હું મહાવિકાસ આઘાડીનો ચોકીદાર છું અને એની ચોકીદારી કરતો જ રહેવાનો છું : સંજય રાઉત
અજીત પવાર, સંજય રાઉત
અજિત પવાર પ્રકરણમાં ચાર દિવસથી શાંત દેવેન્દ્ર ફડણવીસની ‘મિશન નો પેન્ડન્સી’ ટ્વીટથી નવાજૂનીની અટકળોને મળ્યો વેગ
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ‘મિશન નો પેન્ડન્સી’ લખેલી ટ્વીટ કરી છે, જેમાં તેઓ ફાઇલો ક્લિયર કરી રહ્યા હોવાનો ફોટો પણ શૅર કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષના નેતા અજિત પવાર એનસીપી છોડીને બીજેપીમાં જોડાઈ રહ્યા હોવાની ચાર દિવસથી ચાલેલી ચર્ચા વખતે દેવેન્દ્ર ફડણવીસે આવી ટ્વીટ કરવાથી તેમના વિશે જાત-જાતની અટકળો લગાવવાની શરૂઆત થઈ છે. ૧૫ એપ્રિલ બાદ તેઓ પહેલી વખત પત્રકારો સામે આવ્યા હતા, પરંતુ કૅબિનેટના નિર્ણયો સિવાયની એક પણ વાત નહોતી કરી અને નીકળી ગયા હતા.
ADVERTISEMENT
શિવસેનાના સત્તાસંઘર્ષનો ચુકાદો ગમે ત્યારે આવી શકે છે. સુપ્રીમ કોર્ટ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત શિવસેનાના ૧૬ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવે તો બીજેપી દ્વારા એનસીપીને સત્તામાં સામેલ કરવાની ગણતરી કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. અજિત પવારે ભલે કહી દીધું હોય કે તેઓ જીવશે ત્યાં સુધી એનસીપીમાં જ રહેશે, પણ રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ચુકાદો વિરુદ્ધમાં આવશે તો અજિત પવાર બીજેપી સાથે હાથ મિલાવશે.
આ બધી ચર્ચા વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ‘મિશન નો પેન્ડન્સી’ લખેલી ટ્વીટ કરીને તેમણે પોતાનાં કામને ઝડપથી પૂરાં કરવાની શરૂઆત કરી હોવાનું જણાવ્યું છે. તેમણે શા માટે ફાઇલો ક્લિયર કરવાની શરૂઆત કરી? શું બીજેપીને પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો એકનાથ શિંદે જૂથની વિરોધમાં આવવાનો ડર છે? આને ધ્યાનમાં રાખીને જ દેવેન્દ્ર ફડણવીસે સૂચક ટ્વીટ નથી કરીને એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઈ છે.
અજિત પવારે મંગળવારે કંઈ નવાજૂની ન કરવાની સ્પષ્ટતા કરી દીધા બાદ બધું શાંત થઈ ગયું હતું ત્યાં દેવેન્દ્ર ફડણવીસની ટ્વીટથી ફરી રાજ્યના રાજકારણમાં કંઈક રંધાઈ રહ્યું હોવાની વાતને હવા મળી છે. અજિત પવારનું પ્રકરણ ચાલી રહ્યું હતું ત્યારે દેવેન્દ્ર ફડણવીસ તરફથી કોઈ નિવેદન નહોતું આવ્યું. ગઈ કાલે મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે ૧૫ એપ્રિલ બાદ પહેલી વખત વાત કરી હતી. જોકે તેમણે આ સમયે રાજ્યની કૅબિનેટે તાજેતરમાં લીધેલા નિર્ણયો બાબતે જ વાત કરી હતી. પત્રકારોએ કરેલા સવાલના જવાબ આપ્યા વગર તેઓ નીકળી ગયા હતા.
શરદ પવાર-ઉદ્ધવ ઠાકરેએ કૉન્ફરન્સ કૉલમાં વાત કરી
અજિત પવારના પ્રકરણ બાદ ગઈ કાલે સવારે એનસીપીના ચીફ શરદ પવાર, સાંસદ સુપ્રિયા સુળે, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત વચ્ચે કૉન્ફરન્સ કૉલમાં વાત થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ કૉલમાં તેમની વચ્ચે રાજ્યની અત્યારની પરિસ્થિતિ અને અજિત પવાર બાબતે ચર્ચા કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ કૉન્ફરન્સ કૉલમાં અજિત પવાર સામેલ નહોતા થયા. આથી હજી પણ એનસીપીમાં કંઈક ચાલી રહ્યું હોવાનું જણાઈ આવે છે.
અજિત પવારના બંગલે બેઠક થઈ
અજિત પવાર અત્યારે મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન દેવગિરિ બંગલામાં છે. તેમણે ગઈ કાલે એનસીપીના નેતાઓની બેઠક બોલાવી હોવાનું જાણવા મળ્યું હતું. આ બેઠકમાં રાયગડના સાંસદ સુનીલ તટકરે, ભૂતપૂર્વ ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલ, વિધાનસભ્યો છગન ભુજબળ અને અનિલ પાટીલ વગેરે સામેલ થયા હોવાનું કહેવાય છે. જોકે તેમની વચ્ચે શું ચર્ચા થઈ હતી એ જાણી નહોતું શકાયું. એનસીપી છોડવા બાબતની ચર્ચા શરૂ થયા બાદથી અજિત પવાર અને શરદ પવારની મુલાકાત નથી થઈ એટલે કહેવાય છે કે હજી પણ તેઓ નારાજ છે. અજિત પવારે સંજય રાઉતનું નામ લીધા વગર તેમના પર ટીકા કરતા કહ્યું હતું કે ‘કોઈએ અમારી વકીલાત કરવાની જરૂર નથી. અમારી પાર્ટીના પ્રવક્તા સક્ષમ છે. એના પર પ્રતિક્રિયા આપતાં સંજય રાઉતે કહ્યું હતું કે ‘ઑપરેશન લોટસ વિશે મેં જે સત્ય લખ્યું એનાથી કોઈને તકલીફ થાય તો એમાં હું શું કરું. હું કોઈના બાપથી ડરતો નથી. હું ફક્ત શરદ પવારનું જ સાંભળું છું. હું મહાવિકાસ આઘાડીનો ચોકીદાર છું અને એને એકજૂટ રાખવા એની ચોકીદારી કરતો રહીશ.’
બીજેપીનો કોઈ સર્વે નથી કરાયો
બીજેપીના નૅશનલ જનરલ સેક્રેટરી વિનોદ તાવડેની કમિટી દ્વારા રાજ્યમાં બીજેપીની સ્થિતિ વિશે એક સર્વે કરવામાં આવ્યો હોવાના સમાચાર વહેતા થયા હતા. બીજેપીની સ્થિતિ ખરાબ છે એટલે બીજેપી દ્વારા એનસીપીના મરાઠા નેતા અજિત પવારને સાથે લાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે એવું કહેવામાં આવતું હતું. જોકે ખુદ વિનોદ તાવડે અને બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ આવી કોઈ કમિટી રચાઈ ન હોવાનું કે સર્વે થયો ન હોવાનું કહ્યું હતું. ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘રાજ્યમાં બીજેપીની સ્થિતિ મજબૂત છે. આથી સર્વે કરવા માટે કોઈ કમિટીની રચના જ નથી કરાઈ. બીજેપીના વિરોધીઓ દ્વારા આવી વાતો ફેલાવાઈ રહી છે.’
શરદ પવારે કર્યા ૧૮ વિધાનસભ્યોને ફોન
અજિત પવાર બળવો કરવાના મૂડમાં હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ શરદ પવારે એનસીપીના ૧૮ વિધાનસભ્યોને ગઈ કાલે ફોન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. મંગળવારે અજિત પવારવિધાન ભવનમાં તેમની ઑફિસમાં હતા ત્યારે તેમને ધનંજય મુંડે અને નીતિન પવાર સહિતના કેટલાક વિધાનસભ્યો તેમને મળવા ગયા હતા. બાદમાં અજિત પવારે તમામ અટકળોને ફગાવી દીધી હતી ત્યારે આ વિધાનસભ્યો તેમની સાથે જોવા મળ્યા હતા. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે શરદ પવારે એનસીપીના આવા ૧૮ વિધાનસભ્યોને આજે ફોન કર્યા હતા. આથી લાગી રહ્યું છે કે એનસીપીમાં હજી પણ બધું શાંત નથી થયું. જોકે શરદ પવારે વિધાનસભ્યોને શું કહ્યું અને વિધાનસભ્યોએ શું જવાબ આપ્યો હતો એ જાણી નહોતું શકાયું.
હવે ઓપન ગ્રાઉન્ડમાં ૧૨થી પાંચ કાર્યક્રમો નહીં થઈ શકે
નવી મુંબઈના ખારઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર કાર્યક્રમમાં ગરમી અને ભાગદોડ મચવાથી ૧૪ લોકોનાં મૃત્યુ થવાની ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકારે હીટ વેવ રહે ત્યાં સુધી ખુલ્લામાં બપોરના ૧૨થી સાંજના પાંચ વાગ્યા સુધી કોઈ પણ કાર્યક્રમ ન યોજવાનો નિર્ણય લીધો છે. રાજ્યના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘બપોરના સમયે જાહેર કાર્યક્રમ યોજવાથી લોકોનાં મૃત્યુ થયાં હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ રાજ્ય સરકારે નિર્દેશ જારી કર્યો છે કે બપોરના ૧૨થી પાંચ વાગ્યા સુધી ખુલ્લા મેદાનમાં કોઈ પણ કાર્યક્રમનું આયોજન ન કરવું. સરકારના આ નિર્દેશનું બધાએ પાલન કરવું પડશે.’