ચંદા કોચરે લોનની સામે લાભ મળ્યાના આક્ષેપો નકાર્યા: સ્પેશ્યલ કોર્ટે સીબીઆઇ કસ્ટડી એક દિવસ લંબાવી
બુધવારે સીબીઆઇએ કોચર દંપતી અને વિડિયોકોન ગ્રુપના ચૅરમૅન વેણુગોપાલ ધૂતને અદાલત સમક્ષ રજૂ કર્યાં હતાં.
મુંબઈ : આઇસીઆઇસીઆઇ બૅન્કનાં ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ચંદા કોચરે સીબીઆઇને જણાવ્યું હતું કે તેમણે કદી તેમના પતિના વ્યવસાયમાં હસ્તક્ષેપ નથી કર્યો અને વિડિયોકોન ગ્રુપે આઇસીઆઇસીઆઇ બૅન્કમાંથી લોન મેળવ્યાના એક દિવસ પછી તેમના પતિની ફર્મમાં પૈસા ટ્રાન્સફર કર્યા એ વિશે તેમને કોઈ જાણકારી નથી. એની સાથે જ ચંદા કોચરે વિડિયોકોન ગ્રુપ દ્વારા યથાર્થ રોકાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો અને કોઈ લાભ મળ્યાના આક્ષેપો નકાર્યા હતા.
આ દરમિયાન સ્પેશ્યલ કોર્ટે ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વિડિયોકોન ગ્રુપના ચૅરમૅન વેણુગોપાલ ધૂતની સીબીઆઇ કસ્ટડી એક દિવસ લંબાવી હતી, કારણ કે તપાસકર્તા સંસ્થાએ દાવો કર્યો હતો કે આરોપીઓનો આમનો-સામનો કરાવવા માટે તેમને પૂરતો સમય નહોતો મળ્યો.
ADVERTISEMENT
બુધવારે સીબીઆઇએ કોચર દંપતી અને વેણુગોપાલ ધૂતને અદાલત સમક્ષ રજૂ કરીને બે દિવસની કસ્ટડી માગી હતી, જેનો આરોપીઓના વકીલોએ ભારે વિરોધ કર્યો હતો.
ચંદા કોચરના વકીલ ઍડ્વોકેટ અમિત દેસાઈએ કહ્યું હતું કે ‘સીબીઆઇએ સુપરત કરેલી હાલની અને અગાઉની રિમાન્ડ અરજી એકસમાન છે. પ્રોસિક્યુશને રિમાન્ડ માગવા માટે કેસમાં થોડી પ્રગતિ દર્શાવવી જોઈએ. આ ધરપકડ ગેરકાયદે છે.’
સીબીઆઇએ અદાલતને જણાવ્યું હતું કે ‘આરોપીઓ ૨૬ ડિસેમ્બરે દિવસ પૂરો થયો ત્યાં સુધી કોર્ટમાં હતા. એ પછી તેમના વકીલો અને પરિવારજનો તેમને મળ્યા હોવાથી પૂછપરછ માટે સમય મળ્યો નહોતો.’
દલીલો સાંભળ્યા પછી અદાલતે સીબીઆઇને તપાસમાં થયેલી પ્રગતિ વિશે પૂછતાં તપાસકર્તા અધિકારીએ જણાવ્યું હતું કે હાલના તબક્કે માહિતી પ્રગટ કરી શકાય એમ નથી.
સીબીઆઇની રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે ‘હાલ તપાસ અત્યંત મહત્ત્વના તબક્કામાં છે અને આ કેસમાં બીજા જાણીતા સરકારી અને ખાનગી અધિકારીઓ સાથે મળીને ગુનાઇત કાવતરાં પર પ્રકાશ પાડવા માટે આરોપીઓને આમને-સામને રાખીને વધુ પૂછપરછ કરવી જરૂરી છે.’
1730
આરોપીઓને કારણે આઇસીઆઇસીઆઇ બૅન્કને આટલા કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.