પાણીમાં પડ્યા બાદ પતિએ પત્નીનો હાથ પકડ્યો હતો, પરંતુ પાણીના વહેણને લીધે હાથ છૂટી જવાથી તે નજર સામે ડૂબી ગઈ: ચિંચોટીમાં રહેતા પતિ પાસે ત્રણ દિવસ પહેલાં જ પત્ની ગામથી આવી હતી: ત્રણ મહિના અને ત્રણ વર્ષનાં બે સંતાન
વર્સોવા ખાડીમાં ઝંપલાવનારી શશિકલા યાદવને શોધી રહેલી પોલીસની ટીમ અને જીવ ગુમાવનારી શશિકલા યાદવ
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર આવેલા નાયગાવમાં રહેતી ૨૮ વર્ષની શશિકલા દિનેશ યાદવ નામની મહિલાએ ગઈ કાલે સવારના ૯.૧૫ વાગ્યે ઘોડબંદર પાસેના વર્સોવા બ્રિજ પરથી ખાડીમાં કૂદકો માર્યો હતો. પત્નીને ખાડીમાં પડેલી જોઈને તેને બચાવવા ૩૨ વર્ષના પતિ દિનેશ યાદવે પણ પુલ પરથી ખાડીમાં ઝંપલાવ્યું હતું. એકસાથે બે લોકોને ખાડીમાં પડતા જોઈને હાઇવે પરના વાહનચાલકોએ પોલીસને જાણ કરી હતી. આથી કાશીગાવ પોલીસ-સ્ટેશન અને પેણકરપાડા ફાયર-સ્ટેશનની ટીમ રેસ્ક્યુ બોટ સાથે ખાડીમાં પહોંચી હતી. શશિકલાનો મૃતદેહ હાથ નથી લાગ્યો, પણ તેને બચાવવા ખાડીમાં કૂદનારા પતિ દિનેશ યાદવને બચાવી લેવામાં આવ્યો હતો. માછીમાર અને ફાયર-બ્રિગેડની ટીમે ગઈ કાલે સાંજ સુધી ત્રણથી ચાર વખત શશિકલાને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો મૃતદેહ હાથ નહોતો લાગ્યો.
કાશીગાવ પોલીસના જણાવ્યા મુજબ વર્સોવા ખાડીમાં કૂદનારી શશિકલા યાદવ ત્રણ દિવસ પહેલાં જ ઉત્તર પ્રદેશમાં આવેલા વતનથી ચિંચોટી ગામમાં રહેતા પતિ પાસે તેના ત્રણ મહિના અને ત્રણ વર્ષના પુત્રો સાથે આવી હતી. ગઈ કાલે સવારે પતિ-પત્ની વચ્ચે કોઈક કારણસર ઝઘડો થયો હતો. આથી તે સવારે ઘરેથી તેના નાના બાળક સાથે નીકળી હતી. ફાઉન્ટન હોટેલ પાસે પહોંચ્યા બાદ તેણે પતિને ફોન કરીને કહ્યું હતું કે તે ખાડીમાં કૂદીને આત્મહત્યા કરવા જઈ રહી છે. આથી શશિકલાનો પતિ દિનેશ અને બીજા લોકો ફાઉન્ટન હોટેલ પાસેના વર્સોવા બ્રિજ પર પહોંચ્યા હતા. બધાએ શશિકલાને શાંત કરી હતી. તેઓ ઘરે જવા માટે રિક્ષા શોધી રહ્યા હતા ત્યારે પાછળ ચાલી રહેલી શશિકલાએ દોડીને બ્રિજ પરથી ખાડીમાં કૂદકો માર્યો હતો. આ જોઈને પતિ દિનેશે પત્નીને બચાવવા તરત જ ઝંપલાવ્યું હતું. પત્નીની પાછળ પાણીમાં પડ્યા બાદ વિનોદે તેનો હાથ પકડી લીધો હતો, પરંતુ પાણીના વહેણને લીધે હાથ છૂટી જવાથી શશિકલા દૂર તણાઈ ગઈ હતી. આમ વિનોદની આંખ સામે પત્ની ડૂબી ગઈ હતી.
કેબલે પતિનો જીવ બચાવ્યો મીરા રોડના પેણકરપાડા
ADVERTISEMENT
ફાયર-બ્રિગેડના ફાયરમૅન સંતોષ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પત્ની શશિકલાને બચાવવા માટે બ્રિજ પરથી કૂદકો મારનારો દિનેશ યાદવ ખાડીમાં પડ્યો હતો. તેને તરતાં નથી આવડતું એટલે તે પણ પત્ની શશિકલાની જેમ ડૂબી જાત. જોકે તેના હાથમાં ખાડીમાંથી પસાર થઈ રહેલો એક કેબલ આવી ગયો હતો. એના આધારે તે પાણીની ઉપર રહ્યો હતો. માછીમારોએ તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.’