ડોંગરીના હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગનો આતંક: પંદરમા માળે લાગેલી આગ હવાને લીધે ઓગણીસમા માળ સુધી પહોંચી એટલું જ નહીં, ઇન્ટરનલ આગને લીધે દસમા માળના ફ્લૅટ સુધી પહોંચી એને પગલે ત્યાં પણ સિલિન્ડર-બ્લાસ્ટ થયો
ડોંગરીમાં આવેલા અન્સારી હાઇટ્સ બિલ્ડિંગના પંદરમા માળે સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને લીધે આગ લાગી હતી. (તસવીર : સતેજ શિંદે)
સાઉથ મુંબઈના ડોંગરીમાં નિશાનપાડામાં આવેલા ૨૨ માળના અન્સારી હાઇટ્સ બિલ્ડિંગમાં ગઈ કાલે બપોરે એક વાગ્યાની આસપાસ સાઉથ સાઇડના પંદરમા માળના એક ફ્લૅટમાં ગૅસ-સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે બિલ્ડિંગની સાઉથ સાઇડમાં સોળમા અને ઓગણીસમા માળના ફ્લૅટો બળીને ખાખ થઈ ગયા હતા. ઇન્ટરનલ આગને લીધે અચાનક જ આગની જ્વાળાઓ દસમા માળના ફ્લૅટમાં પહોંચતાં ત્યાંના એક ફ્લૅટમાં પણ સિલિન્ડર-બ્લાસ્ટ થયો હતો. એને કારણે એ ફ્લૅટ પણ બળીને ખાખ થઈ ગયો હતો. આગની દુર્ઘટનામાં પંદરમા માળના ફ્લૅટના દંપતી સહિત ત્રણ વ્યક્તિ દાઝી ગઈ હતી, જ્યારે ફાયર-બ્રિગેડની મહિલા અધિકારીને ખભા પર દસ ટાંકા આવ્યા છે. બધાને ભાયખલાની મસીના હૉસ્પિટલ અને જે. જે. હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. આગને ઓલવવા માટે પાંચથી વધુ ફાયર-વૅન અને ૯૦ મીટર લાંબી લૅડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આગને ઓલવવા માટે ફાયર-બ્રિગેડના જવાનોએ લૅડરનો ઉપયોગ કર્યો હતો.
આ બાબતની માહિતી આપતાં ફાયર-બ્રિગેડના રીજન વનના ડેપ્યુટી ફાયર-ઑફિસર સંતોષ સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આખા બનાવની વિગતવાર તપાસ આજે અમારા ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ કરવા જશે. આગની શરૂઆત પંદરમા માળથી થઈ હતી, પણ એની જ્વાળાઓ બારીમાંથી હવા આવવાને કારણે સોળમા અને ઓગણીસમા માળે પહોંચી હતી. એમાં પંદરમા અને સોળમા માળના ફ્લૅટો બળીને ખાખ થઈ ગયા હતા. જ્વાળાઓ હવાને કારણે ઓગણીસમા માળ સુધી પહોંચી હતી અને ત્યાંના એક ફ્લૅટમાં બહાર રાખવામાં આવેલા ઍર-કન્ડિશનરના કૉમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો. આગની જ્વાળાઓ નીચે દસમા માળ સુધી પણ પ્રસરી ગઈ હતી. એ તો અમને ત્યારે ખબર પડી જ્યારે એ ફ્લૅટમાં પણ સિલિન્ડર-બ્લાસ્ટ થવાથી ફ્લૅટ આખો બળીને ખાખ થઈ ગયો હતો.’
ડોંગરીની સાંકડી ગલીઓ અને પાર્કિંગ કરેલાં વાહનો ફાયર-બ્રિગેડ માટે અવરોધક બન્યાં હતાં.
આગ ઓલવાતાં પાંચ કલાકથી વધુ સમય લાગી ગયો હતો, ત્યાર પછી કૂલિંગ ઑપરેશન ચાલ્યું હતું એમ જણાવતાં સંતોષ સાવંતે કહ્યું હતું કે ‘આગ બુઝાતાં જ નાનાં બાળકો, મહિલાઓ અને સિનિયર સિટિઝનો સહિત જે ૨૬ જણને અમે ટેરેસ પર મોકલી દીધાં હતાં તેમને પહેલાં નીચે લઈ આવ્યા હતા. આ પહેલાં પંદરમા માળના અને દસમા માળના દાઝી ગયેલા લોકોને અમે નીચે લાવીને હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધા હતા. મુંબઈની સાંકડી ગલીઓ અને પાર્કિંગ કરેલાં વાહનો અમારા માટે અવરોધક બન્યાં હતાં, પણ સાઉથ મુંબઈમાં આ સામાન્ય સમસ્યા છે જે નાના બનાવને મોટી દુર્ઘટનામાં પરિવર્તિત કરી દે છે.’
અંધેરીની આગ ૧૮ મિનિટમાં ઓલવી દેવાઈ
ડોંગરીની આગ પહેલાં ગઈ કાલે સવારે પોણાનવ વાગ્યે અંધેરી-વેસ્ટમાં વીરા દેસાઈ રોડ પરની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑથોરિટીની બાજુમાં આવેલા સાત માળના સિંચન બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા ફ્લૅટમાં શૉર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી, જેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ફાયર-બ્રિગેડના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આગના સમાચાર મળતાં જ ફાયર-બ્રિગેડની ચાર ગાડીએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને ફક્ત ૧૮ મિનિટમાં કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હતી. કોઈ ઈજા નોંધાઈ નથી.