ફસાયેલા લોકો પૅનિક થઈને ધુમાડામાં ભાગાદોડી ન કરે એ માટે બધાને ઘરમાં રહેવાની અને દરવાજાની નીચે ભીનો ટુવાલ મૂકવાની સૂચના આપ્યા બાદ ફાયર બ્રિગેડે બધાને રેસ્ક્યુ કર્યા
બોરીવલી (વેસ્ટ)ની ચીકુવાડીમાં આવેલું યુથોપિયા કૉમ્પ્લેક્સ
બોરીવલી-વેસ્ટના શિંપોલી રોડ પર ચીકુવાડીમાં આવેલા યુથોપિયા કૉમ્પ્લેક્સના રોઝમેરી બિલ્ડિંગની ‘એ’ વિંગના ૧૪મા માળે આવેલા ફ્લૅટમાં ગઈ કાલે પરોઢિયે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી તરત જ લોકોને અલર્ટ કર્યા હતા અને ઘરમાં જ રહેવાનું કહી સાવચેતીનાં પગલાં લેવાનું જણાવી ભીના ટુવાલ અને ચાદરો અંદરથી દરવાજાની ફાટ પાસે નીચે મૂકી દેવા અને જરા પણ પૅનિક ન થવા કહ્યું હતું. ધુમાડો તેમનાં ઘરોમાં ગયો નહીં એટલે લોકો આગ અને ધુમાડાથી પણ બચી ગયા હતા. તેથી કોઈ જાનહાનિ થઈ નહીં કે કોઈને અન્ય તકલીફ પણ થઈ નહીં. એ પછી ફાયર બ્રિગેડના જવાનો આગ ઓલવીને શાંતિથી એ લોકોને ‘બી’ વિંગમાંથી સુખરૂપ અને સુરક્ષિત રીતે બચાવી નીચે લઈ આવ્યા હતા.
સામાન્યપણે ઘણી વાર આગ લાગે ત્યારે એ ઇમારતોમાં આગ નહીં પણ ધુમાડો મૃત્યુનું કારણ બનતો હોય છે. લોકો ગભરાટમાં આવીને બચવા માટેના પ્રયાસ કરે છે ત્યારે ધુમાડો શ્વાસમાં જતા ફેફસાંમાં ભરાઈ જાય છે અને લોકો મૃત્યુ પામે છે. યુથોપિયાની આગ અને ફાયર બ્રિગેડની બચાવ-કામગીરી બાબતે માહિતી આપતાં જ્યાં આગ લાગેલી એ રોઝમેરી બિલ્ડિંગની ‘એ’ વિંગમાં જ રહેતા નિકુંજ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે પરોઢિયે ૧૪મા માળના નવીનભાઈના ફ્લૅટમાં આગ લાગી ત્યારે એમાં તેમનાં મિસિસ એકલાં જ હતાં. તેમને આગ લાગ્યાની જાણ નહોતી થઈ. આજુબાજુવાળા પાડોશીને એ વિશે પહેલાં ખબર પડી હતી. તેમણે તરત જ તેમને જાણ કરી બહાર બોલાવી બચાવી લીધાં હતાં. ૧૪મા માળેથી જે નીચે રહેતા હતા એ બધા તરત જ નીચે ઊતરી ગયા હતા. જોકે એની ઉપરના ૧૭, ૧૮, ૧૯ અને ૨૦મા માળવાળા બધા અટકી પડ્યા હતા, કારણ કે પૅસેજમાં ધુમાડો થઈ ગયો હતો. અમે સૌથી પહેલાં ઇલેક્ટ્રિસિટી અને ગૅસની લાઇન બંધ કરાવી દીધી હતી. ફાયર બ્રિગેડને જાણ કરતાં થોડી જ વારમાં ફાયર એન્જિન આવી પહોંચ્યાં હતાં. ફાયર ઑફિસરે અમને કહ્યું કે ઉપરના એ ફ્લૅટમાં જે લોકો રહે છે તેમને કહો કે ઘરમાં જ રહે, બહાર ન નીકળે કારણ કે બહાર બહુ જ ધુમાડો ફેલાયો છે. ઘરમાં દરવાજા પાસે નીચે જ્યાંથી ધુમાડો આવવાના ચાન્સ હોય ત્યાં બધે જ ટુવાલ ભીના કરીને ગોઠવી દો. એથી તેમના ઘરમાં ધુમાડો નહીં જાય અને તેઓ જરા પણ ગભરાય નહીં તથા પૅનિક ન થાય. તેમના કહેવાથી દરેફ ફ્લૅટના રહેવાસીઓએ એ સૂચનાનું પાલન કર્યું અને ધુમાડા અને આગથી બચી ગયા.’
ફાયર બ્રિગેડની કામગીરી વિશે વધુ માહિતી આપતા નિકુંજ શાહે કહ્યું હતું કે ‘લગભગ દોઢ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને શાંત કરી અને ધુમાડો ઓછો થયા બાદ ફાયર બ્રિગેડના જવાનોને અમે ‘બી’ વિંગમાંની લિફ્ટથી ઉપર લઈ ગયા હતા. ‘એ’ વિંગ અને ‘બી’ વિંગની ટેરેસ કનેક્ટેડ છે. એ પછી ટેરેસ પરથી ‘એ’ વિંગમાંથી ઊતરી બધા જ ૪૪ લોકોને ટેરેસ વાટે ‘બી’ વિંગમાં લઈ જઈને સુરક્ષિતપણે નીચે લવાયા હતા. કોઈને કોઈ જ જાતની તકલીફ થઈ નહોતી. હાલ ‘એ’ વિંગ ખાલી કરી દેવાઈ છે. ફાયર બ્રિગેડ અને બીએમસી તેમની તપાસ કરશે ત્યાર બાદ અમને જવાની પરવાનગી અપાશે.
ફાયર બ્રિગેડ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર મલ્ટિસ્ટોરીડ બિલ્ડિંગના ૧૪મા માળે આગ લાગી હોવાથી આઠ ફાયર એન્જિન અને આઠ જમ્બો ટૅન્કર તેમ જ એક સ્પેશ્યલ અપ્લાયન્સિસ વેહિકલ ઘટનાસ્થળે મોકલાવાયાં હતાં. દોઢેક કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને ત્યાર બાદ કૂલિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું. ૧૦.૪૧ વાગ્યે ક્લોઝિંગ કરી ઑપરેશન પૂરું કરાયું હતું.