બિઝનેસ ડિસ્ટ્રિક્ટ બીકેસીને લીધે પ્રવાસીઓની અવરજવર વધી હોવા છતાં વેસ્ટર્ન રેલવેમાં બાંદરા અને સેન્ટ્રલ રેલવેમાં કુર્લા સ્ટેશનથી ટ્રાવેલ કરવું લોકો માટે દુઃસ્વપ્ન બની ગયું છે ત્યારે...
કુર્લા વેસ્ટ (ઉપર), બાંદરા ઇસ્ટ (નીચે)
આ બન્ને સ્ટેશનને થાણેમાં અપનાવવામાં આવેલી સ્ટેશન એરિયા ટ્રાફિક ઇમ્પ્રૂવમેન્ટ સ્કીમને અનુસરીને એને મુસાફરો માટે ત્રાસમુક્ત કરવાં જોઈએ
કુર્લા અને બાંદરા રેલવે-સ્ટેશનથી રોજના લાખો પ્રવાસીઓ પ્રવાસ કરતા હોવા છતાં એમના પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવ્યું છે. આ બન્ને સ્ટેશનોની સમસ્યાનો કોઈ ઉકેલ હોય તો એ છે સ્ટેશન એરિયા ટ્રાફિક ઇમ્પ્રૂવમેન્ટ સ્કીમ (એસએટીઆઇએસ). થાણેને અનુસરીને આ સ્કીમ અહીં લાગુ કરીને ટ્રાફિક જૅમ તેમ જ ભીડને ઓછી કરી શકાય એમ છે. થાણેમાં સ્ટેશન નજીક બસ માટે એલિવેટેડ ડેક બનાવવામાં આવી એનાથી અરાજકતા ભલે ઓછી ન થઈ હોય, પરંતુ જેમને બસમાં જવું હોય એમના માટે પહેલા માળ પર બસ મળી જાય છે; જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર રિક્ષા, ટૅક્સી તેમ જ પ્રાઇવેટ વાહનો માટે ફાળવવામાં આવ્યો છે. પગે ચાલીને જતા લોકો માટે લાંબો સ્કાયવૉક તો છે જ. કોઈ ટ્રેન સ્ટેશન પર આવે ત્યારે અચાનક થતી ભીડને ઘટાડવા માટે આ પ્રકારનું માળખું જરૂરી છે.
ADVERTISEMENT
બાંદરા-ઈસ્ટ
બાંદરા-વેસ્ટમાં તો પરિસ્થિતિ સારી છે, પરંતુ બાંદરા-ઈસ્ટમાં જ્યાં સૌથી વધુ ભીડ હોય છે ત્યાં સ્કાયવૉક તોડી પાડ્યા બાદ સ્થિતિ કફોડી બની છે. બીકેસીને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. વળી અહીં માત્ર બીકેસી જનારા જ નહીં, બાંદરા ટર્મિનસ જવા માગતા લોકો પણ આવે છે જેઓ માથાફરેલ રિક્ષાચાલકોની જાળમાં ફસાય છે.
બાંદરા-ઈસ્ટની સમસ્યા
- મુસાફરોને લલચાવતા માથાફરેલ રિક્ષાચાલકો
- બસ-સ્ટૉપ પર ઊભી રહેલી રિક્ષાઓ
- બસ-સ્ટૉપ પર ન ઊભી રહેતી બેસ્ટની બસો
- પરિસ્થિતિ પર નજર રાખવા કોઈ પોલીસ નહીં
- તૂટેલો સ્કાયવૉક
- ઉબડખાબડ ફુટપાથ
- ફુટપાથ પર પાર્ક કરેલી બાઇક
શું કરી શકાય?
બેસ્ટ તેમ જ અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ માટે અલગ ડેક બનાવવામાં આવે તો નીચેનો ભાગ રિક્ષા તેમ જ પ્રાઇવેટ વાહનો માટે રાખવામાં આવે. લોકો સ્કાયવૉક પરથી થઈને સીધા હાઇવે જંક્શન સુધી પહોંચી શકે, જેના પર અત્યારે આંશિક કામ ચાલી રહ્યું છે.
કુર્લા-વેસ્ટ
કુર્લામાં ઈસ્ટ અને વેસ્ટ બન્ને સ્થળે હાલત ખરાબ છે. જોકે એલબીએસ રોડ અને બીકેસી જંક્શનને કારણે વેસ્ટમાં હાલત વધુ ખરાબ છે. બસ-સ્ટૉપ પર રિક્ષાવાળાઓનો કબજો છે તો કુર્લા સબવેનો કબજો ફેરિયાઓએ લઈ લીધો છે. સિટિઝન ટ્રાન્સપોર્ટ કમિટીના ફાઉન્ડર મેમ્બર જિતેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે ‘કુર્લાના ન્યુ મિલ રોડથી કેમ બસો શરૂ કરાતી નથી? પીક-અવર્સ દરમ્યાન ૧૦ ટનની ટ્રક જોવા મળે, પરંતુ બસ કેમ નહીં. જો ત્યાં મિની બસ શરૂ કરવામાં આવે તો રિક્ષાચાલકોની દાદાગીરીથી મુસાફરોને રાહત મળે. મ્યુનિસિપલ માર્કેટનું રીડેવલપમેન્ટ જરૂરી છે.’
કુર્લા-વેસ્ટની સમસ્યા
- મુસાફરોને લલચાવતા માથાફરેલ રિક્ષાચાલકો
- તમામ રસ્તાઓને અવરોધરૂપ બનતા ફેરિયાઓ
- પગપાળા જનારાઓ માટે કોઈ ફુટપાથ નહીં
- નવા ઈસ્ટ-વેસ્ટ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે
- ઈસ્ટ-વેસ્ટ સબવેમાં ચાલીને જઈ શકાય એમ જ નથી
- રિક્ષાચાલકોએ રોકેલા બસના રસ્તાઓ
- ટ્રાફિક પોલીસની ગેરહાજરી
શું થઈ શકે?
એલિવેટેડ ડેક બનાવવા માટે ઈસ્ટમાં પૂરતી જગ્યા છે. નવા એલિવેટેડ હાર્બર લાઇન સ્ટેશનનું નિર્માણ ઝડપથી કરવું જોઈએ. વેસ્ટમાં બસ માટે એલિવેટેડ ડેક બનાવવી જોઈએ.
આંકડાઓ શું કહે છે?
બાંદરા સ્ટેશન પર સરેરાશ ૪,૯૧,૧૦૬ મુસાફરોની અવરજવર થાય છે, જે વેસ્ટર્ન રેલવેમાં ચર્ચગેટ અને અંધેરી બાદ ત્રીજા નંબરે છે. બાંદરા સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ચર્ચગેટ જવા માટે લોકલ ટ્રેન મળે છે તેમ જ બાંદરા ટર્મિનસ પર પણ પહોંચી શકાય છે. કુર્લા સ્ટેશન પર સરેરાશ ૩,૮૦,૯૩૦ મુસાફરો જોવા મળે છે. અહીંથી મેઇન લાઇન અને હાર્બર લાઇનની ટ્રેનો મળે છે. વળી એ મુસાફરોને કુર્લા લોકમાન્ય ટિળક ટર્મિનસ સાથે પણ જોડે છે.
સ્થાનિક વિધાનસભ્ય શું કહે છે?
કુર્લાના વિધાનસભ્ય મંગેશ કુડાલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સ્ટેશન પર એસએટીઆઇએસ શરૂ થાય એ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ, જેથી ટ્રાફિક હળવો થાય.
નિષ્ણાતોનાં મંતવ્યો
આર્કિટેક્ટ્સ અને ટ્રાફિક નિષ્ણાત જગદીપ દેસાઈએ કહ્યું હતું કે ‘મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર કરતાં ગ્રાઉન્ડ લેવલ પર જ ભીડ ઓછી થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. અંધેરીમાં બનાવવામાં આવેલા રિક્ષા માટેના સ્કાય ડેકને જુઓ. એનો ઉપયોગ હવે માત્ર પગે ચાલીને જતા લોકો કરે છે. આ ડેસ્ક સફળ થશે એની કોઈ ખાતરી નથી.’
મુંબઈ મોબિલિટી ફોરમ ઍન્ડ મુંબઈ વિકાસ સમિતિના સિનિયર ટ્રાન્સપોર્ટ એવી શેનોયએ કહ્યું હતું કે ‘થાણે કરતાં અલગ રિક્ષા અને ટૅક્સી માટે એલિવેટેડ ડેસ્ક બનાવવી જોઈએ. પગે ચાલતા જનારા લોકોમાં સિનિયર સિટિઝનો, સગર્ભા સ્ત્રીઓ અને વિકલાંગ લોકોને ઉપર-નીચે કરવું પડે એવી સ્થિતિ ન હોવી જોઈએ.’
થાણેની સફળતા
થાણે શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બસો માટે જ ૨.૪ કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે જે સીધો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી થાણે સ્ટેશન-ઈસ્ટમાં જાય છે. આ જ પ્રમાણે પ્રોજેક્ટ થાણે-વેસ્ટમાં પણ કરવામાં આવ્યો હતો, પરંતુ બસો માટે અલગ ડેસ્ક હોવાથી એનો લાભ મળ્યો છે.