બાળકીનો હાથ પકડવો અને પેન્ટની ઝિપ ખોલવી એ સેક્સ્યુઅલ અસૉલ્ટ નથી: HC
બાળકીનો હાથ પકડવો અને પેન્ટની ઝિપ ખોલવી એ સેક્સ્યુઅલ અસૉલ્ટ નથી: HC
બાળકીનો હાથ પકડવો અને પેન્ટની ઝિપ ખોલવાનાં કૃત્યોને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ અસૉલ્ટ (પૉક્સો) ઍક્ટ હેઠળ સેક્સ્યુઅલ અસૉલ્ટ ન ગણી શકાય, એમ મુંબઈ વડી અદાલતની નાગપુર બેન્ચે જણાવ્યું હતું. પાંચ વર્ષની બાળકી પર સેક્સ્યુઅલ અસૉલ્ટના આરોપસર સેશન્સ કોર્ટના સજા ફરમાનને પડકારતી ૫૦ વર્ષના આરોપીની અરજી પર આદેશ આપતાં હાઈ કોર્ટની નાગપુરની સિંગલ જજ બેન્ચનાં ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ ઉપરોક્ત બાબત જણાવી હતી.
૨૦૧૮ની ૧૨ ફેબ્રુઆરીએ ફરિયાદી પરિવારની પાંચ વર્ષની બાળકીની માતા બહાર ગઈ હતી ત્યારે જાતીય સતામણીની ઘટના બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એ ઘટના બદલ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૮ (સેક્સ્યુઅલ અસૉલ્ટ) અને પૉક્સો ઍક્ટની કલમ ૧૨ (સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ) સહિતની કેટલીક કાનૂની કલમો હેઠળ વર્ષ ૨૦૨૦ના ઑક્ટોબર મહિનામાં લિબનસ કુજુર નામના ૫૦ વર્ષના આરોપીને સેશન્સ કોર્ટે પાંચ વર્ષની કેદની સજાનો આદેશ આપ્યો હતો. એ સજા સામે લિબનસ કુજુરે વડી અદાલતમાં અપીલ કરી હતી.
અપીલ પરના ચુકાદામાં આ ઘટનામાં પૉક્સો ઍક્ટ લાગુ થતો નહીં હોવાનું ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ જણાવ્યું હતું. ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે ‘ફરિયાદ પક્ષ આરોપી બાળકીના મર્યાદાભંગ અથવા જાતીય સતામણીના ઇરાદે ઘરમાં પ્રવેશ્યો હોવાનું પુરવાર કરવામાં સફળ રહ્યો છે, પરંતુ સેક્સ્યુઅલ અસૉલ્ટ કે એગ્રેવેટેડ સેક્સ્યુઅલ અસૉલ્ટનો આરોપ સિદ્ધ કરી શક્યો નથી. પૉક્સો ઍક્ટમાં ‘જાતીય સંબંધના ઇરાદે ચામડીને ચામડીના સ્પર્શ’ને સેક્સ્યુઅલ અસૉલ્ટ ગણવામાં આવે છે. બાળકીની માતાએ જે જોયું એ પ્રમાણે બાળકીના હાથ પકડવા અને પેન્ટની ઝિપ ખોલવાનાં કૃત્યોને પૉક્સો ઍક્ટની જોગવાઈઓ હેઠળ સેક્સ્યુઅલ અસૉલ્ટ ન ગણી શકાય.’

