કોસ્ટલ રોડ પર જ્યાં રીક્લેમ્ડ લૅન્ડ નથી અને ઓપન સ્પેસ છે ત્યાં હોર્ડિંગ્સ જોવા મળશે.
કોસ્ટલ રોડ
કોસ્ટલ રોડ હોર્ડિંગ્સથી મુક્ત રહેવો જોઈએ એવી મુંબઈગરાની માગણી અડધી સંતોષાઈ છે, કારણ કે સુધરાઈએ બનાવેલી નવી ડ્રાફ્ટ પૉલિસીમાં રીક્લેમ કરાયેલી જમીન પર કોઈ જાતનાં હોર્ડિંગ્સ નહીં લગાડવાનું નક્કી કર્યું છે. કોસ્ટલ રોડ પર જ્યાં રીક્લેમ્ડ લૅન્ડ નથી અને ઓપન સ્પેસ છે ત્યાં હોર્ડિંગ્સ જોવા મળશે.
સુધરાઈએ સાઉથ મુંબઈમાં તાતા ગાર્ડન પાસે ચાર અને હાજી અલી પાસે બે હોર્ડિંગ્સ મળી કુલ ૬ હોર્ડિંગ્સને મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર કોસ્ટલ રેગ્યુલેટરી મૅનેજમેન્ટ ઑથોરિટી જ્યારે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપશે ત્યાર પછી કૉન્ટ્રેક્ટર હોર્ડિંગ્સ ઊભાં કરી શકશે. આ ઓપન સ્પેસ કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનમાં આવે છે. સાઉથ મુંબઈના લોકોએ હોર્ડિંગમુક્ત કોસ્ટલ રોડ માટે ઑનલાઇન પિટિશન શરૂ કરી હતી.
ADVERTISEMENT
શું છે નવી હોર્ડિંગ પૉલિસીમાં?
નવી હોર્ડિંગ પૉલિસીમાં કોઈ પણ હોર્ડિંગ લગાડવા માટે ટ્રાફિક પોલીસનું NOC જરૂરી બનાવી દેવામાં આવ્યું છે. બ્રિજ ગૅન્ટ્રીઝ, બિલ્ડિંગના ટેરેસ અને ટ્રાફિક આઇલૅન્ડ પર હોર્ડિંગ નહીં લગાવી શકાય. રેલવે, મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (મ્હાડા-MHADA) અને મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) જેવી સરકારી ઑથોરિટીએ હોર્ડિંગ લગાડવા માટે સુધરાઈની ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે. આવી ગાઇડલાઇન્સ પહેલાં પણ હતી, પરંતુ સરકારી ઑથોરિટી એનું પાલન કરતી નહોતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તમામને સુધરાઈની ગાઇડલાઇન્સ પાળવી પડશે. શહેરમાં ૪૦ ફુટ બાય ૪૦ ફુટની સાઇઝનાં અને વધુમાં વધુ ૧૦૦ ફુટ ઊંચા હોર્ડિંગ લગાવી શકાશે. ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટનાના ત્રણ મહિના બાદ નવી ડ્રાફ્ટ પૉલિસી ઘડવામાં આવી છે. આ દુર્ઘટનામાં ૧૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૭૦ લોકો ઘાયલ થયા હતા.