ચીનના યીવુ શહેરમાં રહેતા મુંબઈના ગુજરાતીનું કહેવું છે કે ચીને કોઈ ઇમર્જન્સી ડિક્લેર નથી કરી
પત્ની બૉસ્કી અને દીકરા શારવ સાથે તન્મય ગોકાણી.
કોરોનાનાં પાંચ વર્ષ બાદ ચીનના લોકો હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)થી સંક્રમિત થઈ રહ્યા છે, પણ આ વાઇરસ ફાટી નીકળવાથી ચીન કરતાં વધુ ગભરાટ ભારત સહિત વિશ્વના દેશોમાં જોવા મળી રહ્યો છે, એમ ચીનના યીવુ શહેરમાં ૨૩ વર્ષથી સેટલ થયેલા મુંબઈના બિઝનેસમૅને કહ્યું હતું. આ બિઝનેસમૅને કહ્યું હતું કે ચીને આ વાઇરસ ફેલાઈ રહ્યો હોવા છતાં કોઈ સ્ટેટ ઇમર્જન્સી નથી જાહેર કરી; એટલું જ નહીં, સ્કૂલ, શૉપિંગ મૉલ્સ કે માર્કેટ બંધ કરવામાં આવ્યાં નથી.
મુંબઈના વાલકેશ્વરમાં અગાઉ રહેતો ૪૧ વર્ષનો તન્મય ગોકાણી ૨૦ વર્ષનો હતો ત્યારથી ચીનના યીવુ શહેરમાં સેટલ થઈને એક્સપોર્ટ્સનો બિઝનેસ કરે છે. યીવુ શહેરમાં તન્મય ગોકાણી જેવા ૮૦૦ ભારતીય સેટલ થયા છે. તન્મય ગોકાણી લૉ ફર્મમાં જૉબ કરતી પત્ની બૉસ્કી અને પુત્ર શારવ સાથે રહે છે. તન્મય ગોકાણીએ કહ્યું હતું કે ‘શિયાળામાં યીવુમાં તાપમાન -૧ ડિગ્રી જેટલું નીચું હોય છે, જ્યારે ચીનના ઉત્તરીય ભાગમાં અહીં કરતાં પણ વધુ ઠંડી હોય છે. સ્વાભાવિક છે કે આવા હવામાનમાં શરદી, કફ અને ફ્લુ થવું સામાન્ય છે. વિદેશી મીડિયામાં ચીનમાં HMPVનો પ્રકોપ ફાટી નીકળ્યો હોવાના સમાચાર અમે જોયા હતા. ચીનનું મીડિયા પણ આ વાઇરસનો ઉલ્લેખ કરી રહ્યું છે, પણ ચીનના આરોગ્ય વિભાગ દ્વારા વાઇરસ ફાટી નીકળ્યો હોવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.’
ADVERTISEMENT
કેવી રીતે ફેલાય છે?
છીંક આવે ત્યારે પડતાં ટીપાં અને બે વ્યક્તિના એકબીજા સાથેના સીધા સંપર્કમાં આવવાથી આ વાઇરસ ફેલાય છે. ઓછી ઇમ્યુનિટી ધરાવતા લોકો સિનિયર સિટિઝન અને બાળકો ઝડપથી સંક્રમિત થાય છે. આ વાઇરસનાં લક્ષણ અત્યાર સુધી ગંભીર નથી રહ્યાં. સામાન્ય રીતે તાવ, શરદી અને કફ કે નાકમાંથી પાણી વહેવા લાગે એ મુખ્ય લક્ષણ છે. આ વાઇરસથી સંક્રમિત થયેલી વ્યક્તિ પર ત્રણથી છ દિવસ સુધી અસર રહે છે. આ વાઇરસથી સંક્રમિત થયેલી વ્યક્તિની સારવાર માટે હજી સુધી કોઈ ખાસ વૅક્સિન કે દવા શોધવામાં નથી આવી.