ગુજરાતીઓએ કાશ્મીરના લોકો સાથે મળીને શ્રીનગરના લાલ ચૌકમાં મનાવી ભવ્ય દિવાળી
ભવ્ય દિવાળી
વર્ષો પછી શ્રીનગરના ઐતિહાસિક લાલ ચૌક પર ભવ્ય દિવાળી ઊજવવામાં આવી હતી અને એમાં સિંહફાળો ભજવ્યો હતો ટૂરિસ્ટોએ, એ પણ ગુજરાતી. લાલ ચૌકમાં આવેલી દુકાનોમાં લાઇટિંગ કરવામાં આવી છે તેમ જ લાલ ચૌક પર મોટી સંખ્યામાં પર્યટકોએ ભેગા થઈને દીવડા પ્રગટાવ્યા હતા. અમુક સ્થાનિકો પણ એમાં જોડાયા હતા. એક સ્થાનિક અધિકારીએ કહ્યું હતું કે શ્રીનગરમાં આવી ભવ્ય દિવાળી પહેલી વાર ઊજવવામાં આવી છે. રાજકોટથી કાશ્મીર ફરવા ગયેલા એક ટૂરિસ્ટે કહ્યું હતું કે ‘અહીં આવીને હું બહુ જ ખુશ છું. અહીંનું વાતાવરણ પણ સુપર્બ છે. દિવાળીનું આવું વાતાવરણ આજ સુધી મેં ક્યાંય નથી જોયું. અમે કાશ્મીરના લોકોનો પણ આભાર માનીએ છીએ કે તેમણે અમને મદદ કરી અને અમારી સાથે સેલિબ્રેશનમાં પણ જોડાયા.’ ગુજરાતથી જ આવેલા બીજા એક પર્યટકે કહ્યું હતું કે ‘ખરેખર, આ નવું કાશ્મીર છે. અમને સપનામાં પણ ખ્યાલ નહોતો કે અહીં આવી જબરદસ્ત દિવાળી મનાવવા મળશે. અહીં ગુજરાત કરતાં પણ સારી રીતે દિવાળી ઊજવવામાં આવી. હું બધાને કહેવા માગું છું કે અહીં કોઈ ખતરો નથી. સંપૂર્ણ શાંતિ છે અને અહીંના લોકો પણ બહુ જ સપોર્ટિવ છે.’ પ્રશાસને પણ દિવાળી સેલિબ્રેશન કોઈ પણ વિઘ્ન વગર પાર પડે એના માટે તૈયારીઓ કરી હતી.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જની રોકાણકારોને સક્ષમ બનાવતી અનોખી ભેટ ૧૨ ભાષામાં વેબસાઇટ લાઇવ કરી અને મોબાઇલ-ઍપ લૉન્ચ કરી
ADVERTISEMENT
દીપાવલિના પવિત્ર પર્વે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (NSE)એ ૧૨ ભાષામાં વેબસાઇટ લાઇવ કરી હતી અને NSE મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરી હતી. આ પ્રસંગે NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું, ‘ભારતની મૂડીબજારમાં NSEની ૧૨ ભાષામાં વેબસાઇટ લાઇવ કરવાની અને મોબાઇલ ઍપ લૉન્ચ કરવાની ઘટનાથી દેશની નાણાકીય બજારની સુવિધાઓ વધુ ને વધુ લોકો સુધી પહોંચશે. NSEએ આસામી, બંગાલી, કન્નડા, મલયાલમ, ઓરિયા, પંજાબી, તામિલ અને તેલુગુમાં વેબસાઇટ્સનો પ્રારંભ કર્યો છે. આ પહેલાં NSEએ અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી વેબસાઇટ લાઇવ કરી હતી, એ ચાર મળીને NSEની કુલ ૧૨ ભાષાકીય વેબસાઇટ્સ થઈ છે. NSEએ શરૂ કરેલી નવી NSE મોબાઇલ-ઍપ ઘણાં ફીચર્સ સાથેનું પ્લૅટફૉર્મ પૂરું પાડે છે. આ ઍપ ઍપલ ઍપ-સ્ટોર અને ઍન્ડ્રૉઇડ ઍપ-સ્ટોર પર ઉપલબ્ધ છે. આ ઍપ ઇન્ડાઇસિસ, માર્કેટ સ્નૅપશૉટ, માર્કેટ ટ્રેન્ડ અને ટર્નઓવર જેવી માહિતી પૂરી પાડે છે, જેમાં નિફ્ટી ૫૦ના ટૉપ ગેઇનર્સ, લૂઝર્સ અને ઍક્ટિવ સ્ટૉક્સનો સમાવેશ થાય છે.
કુરારના યુવાને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું
જોકે તેણે સુસાઇડ કરતાં પહેલાં વિડિયો બનાવીને તે જ્યાં કામ કરતો હતો- એ કંપનીના પદાધિકારીઓને તેના મોત માટે જવાબદાર ગણવાનું કહ્યું
કૂરારમાં રહેતા અને કાંદિવલીમાં આવેલી ઇન્ટરનેન્ટ પ્રોવાઇડર કંપનીમાં કામ કરતા ચંદ્રેશ તિવારીએ ગુરુવારે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું હતું. જોકે એ પહેલાં તેણે એક વિડિયો તેના મિત્રોને પોસ્ટ કર્યો હતો જેમાં તેણે કંપનીના પદાધિકારીઓ સામે આક્ષેપ કરીને તેમને તેના મોત માટે જવાબદાર ગણવાનું કહ્યું હતું. કુરાર પોલીસે હાલ તેણે કરેલી આત્મહત્યા સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ રજિસ્ટર કર્યો છે અને વધુ તપાસ ચલાવાઈ રહી છે. કુરાર પોલીસના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટરનો હાલ ચાર્જ સંભાળી રહેલા અમર જગદાળેએ આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે હાલ મૃત્યુ પામનાર ચંદ્રેશના પરિવારના સભ્યોનાં સ્ટેટમેન્ટ્સ નોંધી રહ્યા છીએ. બે જણનાં સ્ટેટમેન્ટ હાલ લેવાયાં છે, જ્યારે કેટલાક સભ્યોનાં સ્ટેટમેન્ટ્સ લેવાનાં બાકી છે. એ લોકોનું આ બાબતે શું કહેવું છે, તેમને કોઈના પર શંકા છે કે કેમ, કોઈની સામે આક્ષેપ છે કે નહીં એની અમે ચકાસણી કરીશું અને ત્યાર બાદ ચિત્ર સ્પષ્ટ થશે. એ પછી જરૂર જણાશે તો કંપનીને પત્ર મોકલીને વધુ પૂછપરછ કરીશું.’
અંધેરીમાં લાગેલી આગમાં ૧૦ ગાળા ખાખ
અંધેરી-ઈસ્ટમાં MIDCના ૧૧ નંબરના રોડ પર આવેલી ભંગારવાડી પાસેના લાકડાંના ગોડાઉનમાં ગઈ કાલે રાત્રે ૭.૩૦ વાગ્યે ગૅસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હતી. આસપાસના ગાળામાં પણ લાકડાં અને કેમિકલ હતાં એટલે આગ ઝડપથી ફેલાતાં ૧૦ ગાળા ખાખ થઈ ગયા હતા. આગ લાગ્યા બાદ લોકોએ ફાયર-બ્રિગેડને જાણ કરવાની સાથે પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અત્યારે દિવાળીની રજા હોવાથી કામકાજ બંધ છે એટલે આગ લાગી હતી ત્યાં કોઈ નહોતું એટલે સદ્નસીબે કોઈ જાનહાનિ ન થઈ હોવાનું ફાયર-બ્રિગેડના પ્રવક્તાએ કહ્યું હતું.
આ લોકો આપત્તિથી બચવા કરી રહ્યા છે એકબીજા પર પથ્થરમારો
દર વર્ષની જેમ ગઈ કાલે પણ હિમાચલ પ્રદેશના શિમલાથી ૨૬ કિલોમીટર દૂર આવેલા ધામી ક્ષેત્રના હલોગ ગામમાં પથ્થરમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે દિવાળીના બીજા દિવસે બપોરે બે વાગ્યા બાદ આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં જ્યાં સુધી બે ગ્રુપમાંથી કોઈ લોહીલુહાણ ન થાય ત્યાં સુધી પથ્થરમારો ચાલુ રાખવામાં આવે છે. જે વ્યક્તિ ઘાયલ થઈ હોય તેના લોહીથી મા ભદ્રકાલીને રક્તતિલક કરવાની સદીઓ જૂની પરંપરા છે જે આજે પણ ચાલુ છે. આ પરંપરાનો સંબંધ ધામી રિયાસતના રાજપરિવાર સાથે હોવાથી આજે પણ પહેલો પથ્થર રાજપરિવારના વંશજો દ્વારા મારવામાં આવે છે. ધામી ક્ષેત્રમાં આવનારી આપત્તિથી લોકોને બચાવવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવતું હોવાની માન્યતા છે. આ મેળા વખતે શિમલા-ધામી રોડને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે.
મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં બીજા ત્રણ એલિફન્ટનાં મોત, અઠવાડિયામાં દસ હાથીએ જીવ ગુમાવ્યા
મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં ઝેરી પદાર્થનું સેવન કરવાને લીધે વધુ ત્રણ હાથીનાં મૃત્યુ થયાં છે. આ સાથે એક જ અઠવાડિયામાં દસ હાથીનાં મૃત્યુ થયાં હોવાનું ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટેના અધિકારીએ કહ્યું હતું. મધ્ય પ્રદેશના ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ વી.કે.એન. અંબાડેએ કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં અમને હાથીઓનાં મોત પાછળ કોઈ રમત રમાઈ હોય એવું નથી લાગી રહ્યું. હું આજુબાજુના ઘણા વિસ્તારોમાં ફર્યો, પણ મને એવું કંઈ નથી મળ્યું. જોકે અમે ઑટોપ્સી અને ફૉરેન્સિકના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. છેલ્લા ત્રણમાંથી એક હાથીનું બુધવારે સાંજે અને બીજા બેનું ગુરુવારે મૃત્યુ થયું હતું.’ અત્યારે દિલ્હીથી વાઇલ્ડલાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો અને નાગપુરના નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટીના અધિકારીઓની ટીમ પણ તપાસ કરવા માટે પહોંચી ગઈ છે. વી.કે.એન. અંબાડેએ કહ્યું હતું કે ‘અમારી રાજ્યની ટાઇગર સ્ટ્રાઇક ફોર્સ પણ સ્નિફર ડૉગ્સની મદદથી તપાસ કરી રહી છે. તેમણે નજીકમાં આવેલાં ખેતરો અને તળાવોમાંથી સૅમ્પલ લીધાં છે. આ જગ્યાએથી હાથીઓ કોદરી ખાતા હોય છે.’
ટ્રેનમાં AC બરાબર ચાલતું નહોતું અને ટૉઇલેટમાં પાણી આવતું નહોતું
પ્રવાસીએ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટનો રેલવેને ૩૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ
વિશાખાપટ્ટનમમાં આવેલી કન્ઝ્યુમર કોર્ટે રેલવેને પંચાવન વર્ષના વી. મૂર્તિ અને તેમના પરિવારને તિરુપતિથી વિશાખાપટ્ટનમના દુવ્વાડા સુધી રેલવે-પ્રવાસમાં ભોગવવી પડેલી હાલાકી માટે ૩૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. વી. મૂર્તિએ તિરુમલા એક્સપ્રેસની થર્ડ ACની ચાર ટિકિટ કઢાવી હતી. જોકે ટ્રેનમાં બેઠા પછી ખબર પડી કે કોચનું ઍર-કન્ડિશનર બરાબર ચાલી નહોતું રહ્યું. એ સિવાય ટૉઇલેટમાં પાણી નહોતું આવી રહ્યું. એથી તેમણે આ જ પરિસ્થિતિમાં આખો પ્રવાસ કરવા પડ્યો હતો. વી. મૂર્તિએ કહ્યું હતું કે મેં આ બાબતે દુવ્વાડામાં રેલવે સામે પ્રૉપર ફરિયાદ કરી હતી, પણ એના પર કોઈ ઍક્શન લેવાઈ નહોતી. રેલવેએ વી. મૂર્તિનો દાવો ફગાવી દીધો હતો. રેલવેએ દલીલ કરતાં કહ્યું હતું કે રેલવે પાસેથી પૈસા પડાવવા માટે વી. મૂર્તિએ ખોટી ફરિયાદ કરી હતી, જ્યારે તે અને તેનો પરિવાર તેમના ગંતવ્યસ્થાન દુવ્વાડા સુધી ટ્રેનમાં સુરિક્ષત પ્રવાસ કરીને પહોંચી ગયા હતા. જોકે કન્ઝ્યુમર કોર્ટે નોંધ્યું હતું કે વી. મૂર્તિએ કરેલી ફરિયાદ બાદ રેલવેનો કર્મચારી જ્યારે એ ટૉઇલેટની પાણીની સમસ્યાનું નિવારણ કરવા પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ઍર-બ્લૉકને કારણે ટૉઇલેટમાં પાણી નહોતું આવી રહ્યું. એથી એવું પુરવાર થયું હતું કે ટ્રેન છૂટતાં પહેલાં પ્લૅટફૉર્મ પર આવી ત્યારે એની સુવિધાઓ બરાબર ચાલે છે કે નહીં એની ચકાસણી કરવામાં આવી નહોતી. એથી કોર્ટે રેલવેને એ બદલ વી. મૂર્તિને ૨૫,૦૦૦ રૂપિયા અને કાયદાકીય ખર્ચના ૫૦૦૦ રૂપિયા એમ કુલ ૩૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.