BJPના સુરેશ ધસ વિધાનસભ્ય ન બને ત્યાં સુધી ચંપલ ન પહેરવાની કાર્યકરે માનતા રાખેલી
સુરેશ રામચંદ્ર ધસ, માઉલી બાંદલ
રાજકારણમાં કાર્યકર અને નેતાનો વિશ્વાસ અને પ્રેમનો એક અનોખો સંબંધ હોય છે. પોતાના નેતા માટે કાર્યકર કંઈ પણ કરવા તૈયાર હોય છે. આવા કાર્યકરનું નેતા પણ ધ્યાન રાખે છે. બીડ જિલ્લાના આષ્ટી તાલુકાના સાવરગાવમાં રહેતા માઉલી બાંદલ અને અહીંના ભારતીય જનતા પાર્ટી (BJP)ના આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા સુરેશ રામચંદ્ર ધસ વચ્ચે આવો જ નાતો છે. માઉલી બાંદલે ૨૦૧૮માં જ્યાં સુધી પોતાના નેતા સુરેશ ધસ આ ક્ષેત્રમાં વિધાનસભ્ય નહીં બને ત્યાં સુધી પગમાં ચંપલ ન પહેરવાની માનતા રાખી હતી. તે છ વર્ષથી ખુલ્લા પગે જ ફરતો હતો. આ વાતની જાણ સુરેશ ધસને થતાં ગઈ કાલે તેઓ માઉલી બાંદલના ઘરે ગયા હતા અને તેને ચંપલ પહેરાવ્યાં હતાં. પોતાના નેતાના હાથે ચંપલ પહેરાવવામાં આવતાં માઉલી બાંદલ અને તેનો પરિવાર ખૂબ જ આનંદિત થઈ ગયો હતો.