Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિજયાદશમીએ RSSના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુઓને સંગઠિત અને સશક્ત થવાની હાકલ કરતાં કહ્યું...

વિજયાદશમીએ RSSના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુઓને સંગઠિત અને સશક્ત થવાની હાકલ કરતાં કહ્યું...

Published : 13 October, 2024 07:30 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશની ઘટનાએ વિશ્વભરના હિન્દુ સમાજને સમજાવી દીધું છે કે અસંગઠિત અને દુર્બળ રહેવું અત્યાચારોને આમંત્રણ આપે છે

મોહન ભાગવત

મોહન ભાગવત


વિજયાદશમીએ દર વર્ષની જેમ ગઈ કાલે નાગપુરના રેશિમબાગમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયમાં પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્રપૂજા કરી હતી. બાદમાં તેમણે દશેરા નિમિત્તે આયોજિત કરવામાં આવેલી સભામાં કહ્યું હતું કે ‘વિશ્વ શક્તિને સ્વીકાર કરે છે, પણ કેટલીક શક્તિ અંગત સ્વાર્થને ખાતર ભારત શક્તિશાળી થાય એ જોવા નથી માગતી. આ બધા એ દેશ છે જે વિશ્વશાંતિ માટે કટિબદ્ધ હોવાનું કહે છે, પણ જ્યારે પોતાની સુરક્ષા અને સ્વાર્થનો પ્રશ્ન આવે છે ત્યારે બીજા દેશો પર આક્રમણ કરવાનું કે ચૂંટાયેલી સરકારોને ગેરકાયદે રીતે તોડી પાડવાનું ચૂકતા નથી. આ શક્તિઓ ભારતની ઇમેજને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. બંગલાદેશની ઘટનાએ વિશ્વભરના હિન્દુ સમાજને સમજાવી દીધું છે કે અસંગઠિત અને દુર્બળ રહેવું અત્યાચારોને આમંત્રણ આપે છે. આથી હિન્દુઓએ સંગઠિત અને સશક્ત થવાની જરૂર છે. કેટલાક લોકો દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે એ લોકોએ ચલાવવા ન દેવી જોઈએ.’


મોહન ભાગવતના એક કલાક અને તેર મિનિટના ભાષણના મહત્ત્વના અંશ...



 
બંગલાદેશમાં તખ્તો પલટાવાનું જે પણ કારણ હોય એ, પણ હિન્દુ સમાજ પર કારણ વિના અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. હિન્દુઓ આ અત્યાચાર સામે સંગઠિત થયા એટલે કેટલેક અંશે બચી રહ્યા છે, પણ જ્યાં સુધી અત્યાચારી કટ્ટરપંથી સ્વભાવ રહેશે ત્યાં સુધી હિન્દુ સહિત તમામ માઇનૉરિટી સમાજના માથા પર ખતરાની તલવાર લટકતી રહેશે.


 
બંગલાદેશની ઘટના બાદ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી વધી છે જેને લીધે ભારતમાં વસ્તીનું અસંતુલન થઈ રહ્યું છે, એ ભારત માટે ગંભીર પ્રશ્ન છે. ભારતમાં સદ્ભાવ અને સુરક્ષા જોખમમાં મુકાયાં છે.

 
ભારતમાં અત્યારે સમાજને જાતિ, ભાષા અને પ્રાંતોના આધારે લોકોને અલગ કરીને વહેંચવામાં આવી રહ્યો છે. લોકોને નાના સ્વાર્થ અને નાની ઓળખાણમાં ઊલઝાવી રાખીને તેઓ મોટું સંકટ સમજી ન શકે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવા પ્રયાસથી ભારતની સીમા નજીકના પંજાબ, જમ્મુ ઍન્ડ કાશ્મીર, લદાખ, સમુદ્રી કિનારા પરના કેરલા, તામિલનાડુ તેમ જ બિહારથી મણિપુર સુધી સંપૂર્ણ પૂર્વાંચલ અસ્વસ્થ છે.


 
દેશમાં વગર કારણે કટ્ટરતાને ઉશ્કેરવાની ઘટનાઓમાં અચાનક વધારો થયો છે. સમાજના કોઈ વિશેષ વર્ગ પર આક્રમણ કરવું, વગર કારણે હિંસા કરવી, ભય પેદા કરવાનો પ્રયાસ એ ગુંડાગીરી છે. આ યોજના કરીને કરવામાં આવી રહ્યું છે. આવા આચરણને બાબાસાહેબ આંબેડકરે અરાજકતા કહી છે. ગણેશોત્સવમાં પથ્થરમારાની ઘટના આનું ઉદાહરણ છે. પ્રશાસન પોતાનું કાર્ય કરશે, પણ સમાજે સતર્ક રહેવાની જરૂર છે.

 
આપણો દેશ વિવિધતાથી ભરેલો છે. આપણી વિવિધતા સૃ​ષ્ટિની સ્વાભાવિક વિશેષતા છે. આ વિવિધતાને લીધે સમાજજીવનમાં તથા દેશના સંચાલનમાં થતી બધી બાબતો કાયમ બધાને અનુકૂળ અથવા બધાને ખુશ કરનારી જ હશે એવું નથી. કાયદાને હાથમાં લઈને ગેરકાયદે કે હિંસાત્મક માર્ગથી ઉપદ્રવ કરવો એ દેશહિતમાં નથી.

 
આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું આ ૨૦૦મી જયંતીનું વર્ષ છે. અહિલ્યાદેવી હોલકરની ૩૦૦મી જયંતીનું વર્ષ મનાવવામાં આવી રહ્યું છે. આ મહાન વિભૂતિઓએ દેશ, ધર્મ, સંસ્કૃતિ અને સમાજ માટે જીવન દાવ પર લગાવી દીધું હતું. તેમણે સૌના હિત માટે કામ કર્યું હતું, તેમનું જીવન આપણને અનુકરણીય જીવન વ્યવહાર કરવાનું ઉત્તમ ઉદાહરણ ઉપસ્થિત કરે છે.

 
છેલ્લાં કેટલાંક વર્ષમાં ભારત વિશ્વમાં સશક્ત અને પ્રતિષ્ઠિત થયું છે. યુવા પેઢીમાં સ્વનું ગૌરવ વધી રહ્યું છે. જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં શાંતિથી ચૂંટણી પૂરી થઈ. આમ છતાં દેશને અશાંત અને અસ્થિર કરવાનો પ્રયાસમાં વધારો થયો છે.

 
વિકૃત પ્રચાર અને નશીલા પદાર્થ યુવાઓને બરબાદ કરી રહ્યા છે. આપણાં બાળકો મોબાઇલમાં શું જુએ છે એના પર નિયંત્રણ નથી. આના પર કાનૂની નિયંત્રણ જરૂરી છે. યુવાઓને સારી બાબતો તરફ લઈ જાય એવા સંસ્કાર આપણે લાવવા પડશે. સંસ્કારના અભાવે સમાજમાં બળાત્કાર જેવી ઘટનાઓમાં વધારો થયો છે.

 
પર્યાવરણની રક્ષા થાય, પાણી બચાવીએ, વૃક્ષારોપણ કરીએ અને પ્લાસ્ટિકનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરીશું તો જ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાથી બચી શકીશું.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2024 07:30 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK