‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’ ના ગગનભેદી નારા સાથે લવ જેહાદ, ધર્માંતરણ અને લૅન્ડ જેહાદના વિરોધમાં સકલ હિન્દુ સમાજનો જનઆક્રોશ મોરચો નીકળ્યો
ગઈ કાલે શિવાજી પાર્કથી કામગાર મેદાન સુધી લવ જેહાદ વિરુદ્ધ નીકળેલા મોરચામાં હજારો હિન્દુઓએ ભાગ લીધો હતો. તસવીર: શાદાબ ખાન
મુંબઈ : સકલ હિન્દુ સમાજ દ્વારા ગઈ કાલે લવ જેહાદ, ધર્માંતરણ અને લૅન્ડ જેહાદના વિરોધમાં કાયદો કરીને એ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પણ આખા દેશમાં લાગુ કરવામાં આવે એવી માગણી સાથે હિન્દુ જનઆક્રોશ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના ૧૦ વાગ્યે મોરચામાં ભાગ લેવા મોટી સંખ્યામાં આવી પહોંચેલા હિન્દુઓ દાદરના શિવાજી પાર્ક ખાતે ભેગા થયા હતા અને ત્યાર બાદ સેનાપતિ બાપટ રોડ પર પરેલ તરફ આવેલા કામગાર મેદાન સુધી મોરચો નીકળ્યો હતો જે ત્યાર બાદ સભામાં ફેરવાઈ ગયો હતો. આ મોરચામાં ભારતીય જનતા પાર્ટીના મુંબઈના અધ્યક્ષ આશિષ શેલાર, સંસદસભ્ય મનોજ કોટક, કિરીટ સોમૈયા, ચિત્રા વાઘ, વિધાનસભ્ય પ્રસાદ લાડ, પ્રવીણ દરેકર, અતુલ ભાતખળકર અને નીતેશ રાણે સહભાગી થયાં હતાં. શિવસેનાના એકનાથ શિંદે જૂથનાં નેતાઓ શીતલ મ્હાત્રે, કિરણ પાવસકર અને સદા સરવણકરે પણ આ મોરચામાં હાજરી આપી હતી.
હિન્દુ ભાઈ-બહેનોને આ મોરચામાં મોટી સંખ્યામાં સામેલ થવા સકલ હિન્દુ સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું, જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને ભગવો લહેરાવતા હજારો હિન્દુઓ આ મોરચામાં જોડાયા હતા. મુંબઈ સહિત થાણે, નવી મુંબઈ અને પાલઘરથી પણ આ મોરચામાં જોડાવા હિન્દુઓ આવ્યા હતા. વિવિધ હિન્દુ સંસ્થાઓ તેમના કાર્યકરો સાથે આ મોરચામાં જોડાઈ હતી.
ADVERTISEMENT
બીજી બાજુ મોરચાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને દરેક ચોક પર મોટા પ્રમાણમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી.
મોરચામાં જોડાયેલા નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘આ સંદેશ સાથે ઇશારો છે કે જો તમે હિન્દુઓને અવગણવાનો પ્રયાસ કરશો તો તકલીફ થશે. મુંબઈમાં હિન્દુઓની સંખ્યા વધારે છે. અમારો જે પણ વિરોધ કરશે તેમને અમે પહોંચી વળીશું એ કહેવાની જરૂર નથી. જે વિધર્મીઓ, રોહિંગ્યાઓ અહીં આવીને જમીનો પચાવી પાડે છે અને લવ જેહાદ દ્વારા વર્ચસ જમાવવાનો પ્રયાસ કરે છે એ ચલાવી નહીં લેવાય એ કહેવું જરૂરી હતું. મહાવિકાસ આઘાડીની સરકાર વખતે તો તહેવારોની ઉજવણી પર પણ નિયંત્રણો મુકાઈ ગયાં હતાં. બહારના દેશોમાંથી જે જેહાદીઓ રોહિંગ્યાઓ આવે છે તેમને કોણ પંપાળે છે? કોણ સહાય કરે છે? નવાબ મલિક અને અસલમ શેખ જેવા લોકો જ તેમને સપોર્ટ કરે છે. લવ જેહાદ સામે કાયદો કરાય એ સમયની જરૂરિયાત છે. આ બધી જ બાબતોને આ મોરચાના માધ્યમથી જવાબ મળશે અને હિન્દુઓની આડે હવે કોઈ નહીં આવે. હિન્દુ બહેન-દીકરીઓને ફસાવવી, તેમનું ધર્માંતર કરવું, તેમનું નામ બદલવું એ રોકવા ધર્માંતરવિરોધી કાયદો લાવવો જરૂરી છે.’
મોરચાના ચમકારા
શિવાજી પાર્કથી કામગાર મેદાન સુધી અભૂતપૂર્વ મોરચો
ભગવો ઝંડો, ભગવી ટોપી અને ભગવા ખેસ સાથે હજારો હિન્દુઓ મોરચામાં સામેલ
લવ જેહાદ, ધર્માંતરવિરોધી કાયદો અને લૅન્ડ જેહાદ સામે હિન્દુઓનો વિરોધ
પુણે, કોલ્હાપુર અને સોલાપુરમાં સફળ આયોજન બાદ મુંબઈમાં પણ હિન્દુઓનું શક્તિપ્રદર્શન - ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ ક્યારનું છોડી દીધું છે. હવે ફક્ત એમઆઇએમ સાથે યુતિ કરવાનું બાકી : પ્રસાદ લાડ
શિંદે ગ્રુપના પ્રવક્તાએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેના નામની આગળ લાગતું વિશેષણ ‘હિન્દુ હૃદયસમ્રાટ’ હટાવી ‘વંદનીય’ બાળાસાહેબ લખીને પોતાની ભૂમિકા બદલી
આખા મુંબઈમાંથી અનેક બસો દ્વારા હિન્દુઓ સભાસ્થળે પહોંચ્યા
સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા મોરચામાં આવેલાં હિન્દુ ભાઈ-બહેનોને સવારે સમોસા-પાંઉ, વડા-પાઉંનો નાસ્તો અને પાણીની બૉટલો અપાઈ; જ્યારે બપોરે પાંચ-પાંચ થેપલાં અને અથાણાના પૅકેટનું વિતરણ થયું