મેટ્રો કાર-શેડની જમીન ફાળવવાના કલેક્ટરના હુકમ પર હાઈ કોર્ટેનો સ્ટે
ઇન્ટિગ્રેટેડ મેટ્રો કાર-શેડ બાંધવા માટે કાંજુર માર્ગમાં મીઠાના અગરોની ૧૦૨ એકર જમીન ફાળવવાના મુંબઈ સબર્બન કલેક્ટરના હુકમ પર મુંબઈ વડી અદાલતે સ્થગન આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ દીપંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી. એસ. કુલકર્ણીની ડિવિઝન બેન્ચે એ જમીન પર કોઈ પણ પ્રકારના બાંધકામની પણ મનાઈ ફરમાવી હતી. મેટ્રો કાર-શેડ માટે જમીન ફાળવતા મુંબઈ સબર્બન કલેક્ટરના ૨૦૨૦ની ૧ ઑક્ટોબરના હુકમને પડકારતી કેન્દ્ર સરકારની અરજીની સુનાવણીમાં મુંબઈ વડી અદાલતે ઉપરોક્ત સ્થગન આદેશ આપ્યો હતો.
અગાઉ બીજેપીની સરકાર હતી ત્યારે મુંબઈની મેટ્રો-થ્રી લાઇનનો કાર ડેપો ગોરેગામ સ્થિત આરે કૉલોનીમાં બાંધવાની મૂળ યોજના સામે પર્યાવરણવાદીઓ તેમ જ શિવસેના સહિત કેટલાક રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા હતા. ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ રચાયેલી શિવસેના પ્રણિત મહા વિકાસ આઘાડીની સરકારે મેટ્રો કાર-શેડનું સ્થળ આરે કૉલોનીથી બદલીને કાંજુર માર્ગમાં બાંધવાનો નિર્ણય લીધો હતો. એ નિર્ણયના અનુસંધાનમાં મુંબઈના સબર્બન કલેક્ટરે ૧૦૨ એકર જમીન ફાળવી હતી. એ જમીનની ફાળવણીના આદેશનો અમલ તેમ જ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઑથોરિટી (એમએમઆરડીએ)ને જમીનના હસ્તાંતરણની કાર્યવાહી રોકવાની માગણી કેન્દ્ર સરકારે કરી હતી.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે અરજીમાં જણાવ્યું હતું કે મુંબઈના સબર્બન કલેક્ટરે કાર-ડેપો માટે એમએમઆરડીએને ફાળવેલી ૧૦૨ એકર જમીન સહિત સમગ્ર ક્ષેત્ર કેન્દ્ર સરકારના મીઠાના અગરોના વિભાગના અખત્યારમાં છે. અદાલતે ગઈ કાલે એ અરજી દાખલ કરીને તેની સુનાવણી ફેબ્રુઆરી મહિના પર મુલતવી રાખી હતી.
રાજ્ય સરકાર મેટ્રો કાર-શેડને મુદ્દે અહમ ત્યજી દે: ફડણવીસ
ઇન્ટિગ્રેટેડ મેટ્રો કાર-શેડ બાંધવા માટે કાંજુર માર્ગમાં જમીનની ફાળવણી પર વડી અદાલતે સ્થગન આદેશ આપ્યા પછી બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકારને અહમ ત્યજીને આરે કૉલોનીની જગ્યા પર મેટ્રો કાર-શેડ બાંધવાનો અનુરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે પ્રણિત મહાવિકાસ આઘાડી સરકારે ફક્ત પ્રતિષ્ઠા અને અહમનો મુદ્દો બનાવીને મેટ્રો કાર-શેડનું સ્થળ આરે કૉલોનીથી કાંજુર માર્ગ શિફ્ટ કર્યું હતું. મનોજ સૌનિક કમિટીએ પણ એવો અભિપ્રાય આપ્યો છે કે મેટ્રો કાર-શેડ આરે કૉલોનીથી કાંજુર માર્ગ શિફ્ટ કરવામાં આવશે તો ખર્ચમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થશે.
અદાલતના આદેશને સર્વોચ્ચ અદાલતમાં પડકારવાની શક્યતા
ઇન્ટિગ્રેટેડ મેટ્રો કાર-શેડ બાંધવા માટે કાંજુર માર્ગમાં જમીનની ફાળવણી પર વડી અદાલતે સ્થગન આદેશને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સર્વોચ્ચ અદાલતમાં પડકારવાની વિચારણા ચાલતી હોવાનું નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે જણાવ્યું હતું. અજિત પવારે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેટ્રો કાર-શેડનો પ્રોજેક્ટ આરે કૉલોનીથી કાંજુર માર્ગ શિફ્ટ કરવાના નિર્ણયથી ઘણાને તકલીફ થઈ હશે અને તેથી જ કેન્દ્ર સરકારે આ અંતિમવાદી પગલું લીધું છે. કોઈ પણ અદાલતના ચુકાદા સામે અપીલ કરવાના બંધારણીય અધિકાર હેઠળ વડી અદાલતના સ્થગન આદેશને રાજ્ય સરકાર સર્વોચ્ચ અદાલતમાં પડકારશે.

