કૉન્ગ્રેસ અને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં મીરા રોડમાં આયોજિત બે દિવસના બાગેશ્વરબાબાના કાર્યક્રમને રોકવા માટેની અરજી કરવામાં આવી હતી
બાગેશ્વરબાબા
બાગેશ્વરધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વરબાબાના મીરા રોડમાં આયોજિત કાર્યક્રમને રોકવા માટેની અરજી ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી. આ અરજી કૉન્ગ્રેસ અને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા કરવામાં આવી હતી. મીરા રોડ પોલીસ સ્ટેશનમાં પણ આ સંબંધે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે બૉમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી થયા બાદ કોર્ટે કાર્યક્રમ રોકવાની અરજી ફગાવી ફગાવી દીધી હતી.
કૉન્ગ્રેસ અને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં મીરા રોડમાં આયોજિત બે દિવસના બાગેશ્વરબાબાના કાર્યક્રમને રોકવા માટેની અરજી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
અરજી કરનારાઓ વતી વકીલ નીતિન સાતપૂતે દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં જસ્ટિસ આર. ડી. ધનુકા અને જસ્ટિસ ગૌરી ગોડસેની ખંડપીઠ સમક્ષ દલીલ કરવામાં આવી હતી. તેમણે આ કાર્યક્રમના આયોજકોને પોલીસે નોટિસ મોકલી હોવાનો દાવો કરીને આ નોટિસ કોર્ટમાં રજૂ કરી હતી. પોલીસે આયોજકોને ૧૭ એપ્રિલે નોટિસ મોકલી હતી. આ નોટિસમાં ૯ માર્ચથી ૨૩ માર્ચ સુધી મનાઈનો આદેશ લાગુ હોવાનું કહેવામાં આવ્યું હતું.
સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે વકીલ નીતિન સાતપૂતેની અરજી ફગાવી દીધી હતી. મીરા રોડમાં આયોજિત બે દિવસના કાર્યક્રમના ગઈ કાલના પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મેદાનમાં ૮૦ હજારથી એક લાખ લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.