પોલીસે યોગ્ય રીતે તપાસ ન કરી હોવાની ફરિયાદ મળી એને પગલે કેસ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો
અભિષેક ઘોસાલકર
ઉદ્ધવ ઠાકરે જૂથના દહિસરના ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેકની હત્યાના કેસની તપાસ બૉમ્બે હાઈ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને ટ્રાન્સફર કરવાનો ગઈ કાલે આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં પોલીસે કેટલાક ઍન્ગલની યોગ્ય તપાસ નથી કરી એટલે કેસ ટ્રાન્સફર કરવામાં આવે છે. બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે-ડેરેની અધ્યક્ષતાની ખંડપીઠે કહ્યું હતું કે હત્યાના કેસની તપાસમાં રહેલી ત્રુટિ ચલાવી લેવાય એમ નથી એટલે મુંબઈ પોલીસ પાસેથી આ કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સાત મહિના પહેલાં એટલે કે આઠમી ફેબ્રુઆરીએ દહિસરમાં સ્થાનિક બિઝનેસમૅન મૉરિસ નોરોન્હાએ ફેસબુક લાઇવ કરીને અભિષેક ઘોસાળકર પર ફાયરિંગ કરીને તેની હત્યા કરી હતી અને બાદમાં પોતે પણ માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલામાં પોલીસે મૉરિસ નોરોન્હાના બૉડીગાર્ડ અમરેન્દ્ર સિંહની ધરપકડ કરી હતી. ઘોસાળકર પરિવારે પોલીસે યોગ્ય તપાસ ન કરી હોવાની પિટિશન બૉમ્બે હાઈ કોર્ટમાં કરી હતી, જેની સુનાવણી વખતે ગઈ કાલે આ કેસને CBIને ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.