કોયના ડૅમના દરવાજા ખોલવાને કારણે કોયના, પંચગંગા અને કૃષ્ણા નદીઓમાં પાણીનું સ્તર વધતાં શહેરમાં પાણી ઘૂસ્યું
સતત નવ દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને લીધે કોલ્હાપુર જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે તેમ જ સાંગલી જિલ્લામાં પણ નદીઓની સપાટીમાં વધારો થવાથી શહેર-ગામોમાં પાણી ફરી વળતાં લોકોને સલામત સ્થળે ખસેડવા આર્મી બોલાવવામાં આવી છે.
મુંબઈ અને પુણેને વરસાદે ધમરોળ્યા બાદ કોલ્હાપુર અને સાંગલીમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. સતત નવ દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને લીધે કોયના, કૃષ્ણા અને પંચગંગા નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થયો છે. ઉપરાંત શુક્રવારે રાત્રે સાવચેતીરૂપે કોયના ડૅમના દરવાજા દોઢ ફીટ ખોલવામાં આવ્યા હતા એટલે વરસાદનું પાણી બન્ને જિલ્લાનાં ગામો અને શહેરોમાં ધસી ગયાં હતાં. એને કારણે જનજીવનને અસર પહોંચી હતી. સાંગલીમાં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે આર્મીને બોલાવવામાં આવી છે. નદીઓમાં પૂર આવવાથી ઘર અને દુકાનોને નુકસાન થવાની સાથે રસ્તા ધસી પડ્યા છે તથા ચેકડૅમની ઉપરથી પાણી વહેતાં ખેતર, પુલ અને નીચાણવાળા ભાગના રસ્તા જલમય થઈ ગયા છે. જોકે ગઈ કાલે બપોર બાદ વરસાદે વિરામ લેતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.
કોયના ડૅમના ઉપરવાસમાં ૨૪ કલાકમાં ૧૨ ઇંચથી વધુ વરસાદ થયો હતો. આ સાથે આ સીઝનનો કુલ વરસાદ ૧૩૦ ઇંચ જેટલો નોંધાયો છે એટલે ડૅમમાં પાણીની આવકમાં પંચાવન ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત વેસ્ટર્ન ઘાટમાં પણ સારોએવો વરસાદ પડ્યો હતો એટલે કોયના ડૅમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. કોયના ઉપરાંત શિવસાગર જળાશયમાં પણ ૨૪ કલાકમાં પાણીની આવકમાં પચાસ ટકાનો વધારો થયો હતો. ડૅમના દરવાજા ખોલવામાં આવતાં કૃષ્ણા, કોયના અને પંચગંગા નદીઓની સપાટીમાં વધારો થયો હતો.