જુલાઈ મહિનામાં પણ પાણી ભરાવાની સમસ્યા થયેલી, પણ રેલવે અને BMC ઊંઘતાં રહ્યાં : ભાંડુપ અને નાહૂર સ્ટેશનોની વચ્ચેના નાળાને પહોળું કરવાના કામને લીધે નાળું સાંકડું થઈ ગયું
ભાંડુપ અને નાહૂર રેલવે-સ્ટેશનની વચ્ચે આવેલા નાળાને ગઈ કાલે પહોળું કરવામાં આવ્યું હતું. તસવીર: સૈયદ સમીર અબેદી
બુધવારે રાત્રે પડેલા ધોધમાર વરસાદ વખતે ૪૫ ફીટની ગટરને પહોળું કરવાના ચાલી રહેલા કામને લીધે સેન્ટ્રલ રેલવે ત્રણ કલાક સુધી થંભી ગઈ હતી. ભાંડુપ અને નાહૂર રેલવે-સ્ટેશનની વચ્ચે આવેલા નાળાને પહોળું કરવાનું કામ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામને લીધે નાળાની પહોળાઈ ઓછી થઈ ગઈ છે એટલે વરસાદના પાણીનો નિકાલ નહોતો થઈ શક્યો. આથી ટ્રૅક પર વરસાદનું પાણી ભરાઈ ગયું હતું અને ટ્રેનો અટકી પડવાથી ઘરે જવા નીકળેલા હજારો મુંબઈગરાઓ રઝળી પડ્યા હતા. બહારગામની ૩૫ ટ્રેનોને પણ આને લીધે અસર થઈ હતી.