મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બાદ હવે અજિત પવારે પણ કહ્યું...
અજીત પવાર
લોકસભાની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને વિરોધ પક્ષોની મહાવિકાસ આઘાડી કરતાં ઓછી બેઠક મળવા બાબતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની અસર જોવા મળી હોવાનું કહ્યું હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ મુખ્ય પ્રધાનના સૂરમાં સૂર મિલાવતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘કાંદાના ભાવને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે ડિસેમ્બર મહિનામાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. મહારાષ્ટ્રમાં મરાઠવાડા, વિદર્ભ અને ખાસ કરીને નાશિકના પટ્ટામાં કાંદાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ખેડૂતોની સાથે સામાન્ય વર્ગ માટે કાંદા ખૂબ જ મહત્ત્વના છે. નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતાં ખેડૂતોની સાથે સામાન્ય લોકોની લાગણી દુભાઈ હતી એટલે આ ક્ષેત્રમાં મહાયુતિને એક પણ બેઠક નથી મળી. લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ બાદ અમે દિલ્હીમાં કેન્દ્રીય કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલ અને અમિત શાહને મળ્યા ત્યારે તેમને જાણ કરી હતી કે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય મહારાષ્ટ્રમાં ભારે પડ્યો છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય ન લીધો હોત તો મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ અલગ હોત.’